છેલ્લા ચાર માસથી ટીપરવાન નિયમિત ન આવતી હોવાની ફરિયાદ અધિકારીઓ બિન્દાસ: સ્વચ્છતા સર્વેક્ષણમાં દીવા તળે અંધારું
પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટીના વર્તમાન ચેરમેન ઉદયભાઈ કાનગડના મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૪માં અનેક વિસ્તારોમાં છેલ્લા ૪ માસથી ટીપરવાનના બેફામ ધાંધીયા સર્જાય રહ્યા છે. સામાન્ય નાગરીક તો ઠીક ખુદ શાસક પક્ષના નગરસેવકને ત્યાંથી પણ છેલ્લા બે-ચાર દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. ટીપરવાનના ડ્રાઈવર અને કલીનર નશો કરેલી હાલતમાં ગાર્બેજ કલેકશન માટે જતા હોવાની ફરિયાદો પણ લતામાંથી ઉઠી રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૧૪માં આનંદનગર, કોઠારીયા કોલોની, વાણીયાવાડી, લક્ષ્મીવાડી, મિલપરા અને પુજારા પ્લોટ સહિતના વિસ્તારમાં છેલ્લા ચાર માસથી ટીપરવાનના સતત ધાંધીયા છે. સમયસર ટીપરવાન આવતી નથી. આ અંગે વોર્ડના કોર્પોરેટર કિરણબેન સોરઠીયાએ વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટરથી માંડી પર્યાવરણ ઈજનેર સુધીના તમામ અધિકારીઓને મૌખિક અને લેખિત રજુઆત કરી હોવા છતાં સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી. ટીપરવાનના ડ્રાઈવર અને કલીનર નશો કરેલી હાલતમાં ગાર્બેજ કલેકશન માટે આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી ખુદ વોર્ડના નગરસેવિકા કિરણબેન સોરઠીયાના ઘરે પણ ગાર્બેજ કલેકશન માટે ટીપરવાન આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ રેન્કીંગ હાંસલ કરવા મહાપાલિકા અથાગ મહેનત કરી રહ્યું છે તો બીજી તરફ દીવા તળે અંધારા જેવો માહોલ રચાયો છે.
ખખડધજ ટીપરવાનથી ડ્રાઈવરો કંટાળ્યા: પર્યાવરણ ઈજનેર સમક્ષ રાવ
શહેરના તમામ ૧૮ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે દોડાવવામાં આવતી મોટાભાગની ટીપરવાન ખખડધજ બની ગઈ છે. જેના કારણે ચાલકો તોબા પોકારી ગયા છે. આજે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે ટીપરવાનના ડ્રાઈવરોએ પર્યાવરણ ઈજનેર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. તેઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે, ટીપરવાનની હાલત ખખડધજ થઈ જવા પામી છે. અનેકમાં નંબર પ્લેટ ભુસાઈ ગઈ છે તો કેટલીક ટીપરવાનની બ્રેક પણ લાગતી નથી અને સ્ટેન્ડ લાઈટ પણ ચાલુ થતી નથી, કાચ પણ આંધળા થઈ ગયા છે, ટાયર-ટયુબ પણ પતી ગયા હોવાના કારણે વારંવાર પંચર પડે છે તેથી રૂટમાં સમયમાં પર અસર પહોંચે છે. તાત્કાલિક ધોરણે ટીપરવાન રીપેર કરાવવા માંગણી કરવામાં આવી છે.