કુવાડવા રોડ પર મધુવન સોસાયટી પાસે શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં ૧૮ દુકાનની જાહેર હરાજી સફળ
₹.૯ લાખથી ₹.૧૯.૪૦ લાખની અપસેટ કિંમત સામે ₹.૧૭.૨૦ લાખથી ₹.૩૮.૫૦ લાખ સુધીની આવક
૮૩ આસામીઓએ હરાજીમાં ભાગ લીધો
રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના શોપીંગ સેન્ટરમાં બનાવવામાં આવેલી ૧૦૯ દુકાનોની આજથી જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કુવાડવા રોડ પર મધુવન સોસાયટી પાસે, મોલની પાછળ શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં આવેલી ૧૮ દુકાનોની આજે જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશને ધાર્યા કરતા બમણી અર્થાત ૪.૬૮ કરોડ રૂપિયાની આવક થવા પામી છે. મહતમ રૂપિયા ૧૯.૪૦ લાખની અપસેટ કિંમત સામે રેકોર્ડબ્રેક ૩૮.૫૦ લાખની બોલી લાગી હતી. જાહેર હરાજીમાં ૮૩ આસામીઓએ ભાગ લીધો હતો.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની અને એસ્ટેટ શાખાના આસીસ્ટન્ટ મેનેજર ભરત કાથરોટીયાએ જણાવ્યું હતું કે, આજે કુવાડવા રોડ પર શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં ૧૮ દુકાનોની જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી. દુકાનની અપસેટ કિંમત રૂ.૯ લાખથી રૂ.૧૯.૪૦ લાખ નિયત કરવામાં આવી હતી. આજે જાહેર હરાજીમાં કુલ ૮૩ આસામીઓએ ભાગ લીધો હતો. અપસેટ કિંમત સામે મોટાભાગની દુકાનો બમણા ભાવથી વેચાઈ હતી. દુકાનની ઓછામાં ઓછી કિંમત રૂ.૧૭.૨૦ લાખ જયારે વધુમાં વધુ કિંમત ૩૮.૫૦ લાખ ઉપજી હતી. સરેરાશ એક દુકાન ૨૬ લાખ રૂપિયામાં વેચાણ થયું હતું. ૧૮ દુકાનોની જાહેર હરાજી થકી મહાપાલિકાને ૪ કરોડ ૬૮ લાખ રૂપિયાની આવક થવા પામી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી સોમવારના રોજ રેલનગરમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપની ૧૭ અને મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપની ૧૬ દુકાનો માટે જાહેર હરાજી હાથ ધરવામાં આવશે.