રૂ.૫.૩૦ લાખ વ્યાજ સહિત ચુકવી દીધા હોવા છતાં મેડિકલ સંચાલકે મકાન પડાવવા ધમકી દીધી: ત્રણ સામે નોંધાતો ગુનો
શહેરના કોઠારિયા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીના સિઝનલ વેપારીએ ત્રણ વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તિરૂપતિ સોસાયટીમાં રહેતા કાર્તિક જગદીશભાઇ નામના લોહાણા યુવાને હુડકો પોલીસ ચોકી પાસે સરદાર મેડીકલ સ્ટોરના સંચાલક વિનુ, મારૂતિ જવેલર્સના માલિક રમેશભાઇ સોની અને મનોજભાઇ જોષી સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી દઇ મકાન લખાવી લેવા પ્રયાસ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
કાર્તિક લોહાણાએ ધંધા માટે સાડા ત્રણ વર્ષ પુર્વે વિનુભાઇ પાસેથી રૂ.૩ લાખ માસિક ૧૦ ટકાના વ્યાજે લીધા હતા તે પેટે રૂ.૨ લાખ ચુકવી દીધા હતા. તે વધુ સાત લાખની માગણી કરી મકાન લખાવી ખાલી કરવા ધમકી દીધી હતી. જ્યારે મારૂતિ જવેલર્સવાળા રમેશ સોની પાસેથી એક માસ પહેલાં રૂ.૨ લાખ વ્યાજે લીધા હતા જેનું રૂ.૩૦ હજાર વ્યાજ નક્કી કર્યુ હતું. રમેશભાઇ સોનીને ત્યાં કામ કરતા મનોજ જોષી પાસેથી ત્રણ-ચાર માસ પહેલાં રૂ.૩૦ હજાર વ્યાજે લીધા હતા. બંને શખ્સો વ્યાજની ઉઘરાણી કરતા કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.