પૂ.જય વિજયાબાઈ મ.સ.ની પ્રથમ પરમ સ્મૃતિનો અવસર ‘મા ના અજવાળા’
ભક્તિભાવે ઉજવાયો: દાનવીર અજયભાઈ શેઠ દ્વારા ૯ કરોડનું માતબર અનુદાન: ચાતુર્માસ દરમિયાન ‘શિશુ દર્શન’માં જોડાયેલા બાળકોને ભેટ અર્પણ
ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રવર્તિની ચરિત્ર જ્યેષ્ઠા માઁ સ્વામી પૂજ્ય શ્રી જય વિજયાબાઈ મહાસતીજીની પ્રમપરમ સ્મૃતિનો અવસર ’ મા નાં અજવાળાં ’ અત્યંત ભક્તિભાવે ગુણ ગુણાંજન કરીને ઉજવાયો હતો.
રાજકોટના શાલીભદ્ર સરદારનગર સનકવાસી જૈન સંઘના ઉપક્રમે શ્રી ડુંગર દરબારનાં વિશાળ પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમા પૂજ્ય મા સ્વામીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાં માટે રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ ગોંડલ, સાંઘાણી, બોટાદ સંપ્રદાયનાં અનેક અનેક સાધ્વીરત્નાઓ વિશેષ ભાવો સાથે પધાર્યાં હતાં.
પૂજ્ય મા સ્વામીને આત્મિયતા પ્રસરાવતા અજવાળાં અને આધ્યાત્મિકતા તેમજ માનવતાની સંમિશ્ર ઝળહળતી જ્યોત તરીકે ઓળખાવીને એમનું ગુણગ્રામ કરતાં વધુમાં રાષ્ટ્રસંતે શૈલીમાં સમજાવ્યું હતું કે, વિદાય થયાં પછી કોઈ યાદ કરે કે ન કરે એવી જગતની અનેક વ્યક્તિઓ વચ્ચે કોઈક વ્યક્તિત્વ એવાં હોય છે જે વિદાય થયાં પછી પણ અનેકોના હૃદયમાં સદાય જીવંત બનીને રહેતાં હોય છે. આ અવસરે પૂજ્ય મા સ્વામીને હૃદયનાં ધબકારે ધબકારે જીવંત રાખનારા અનન્ય ભક્ત અજયભાઈની ભક્તિની પ્રશસ્તિ કરીને કહ્યું હતું કે, ગુરૂની ઉઉપસ્થિતિ ન હોવાં છતાં પણ ગુરૂની જીવંતતા સદાને માટે અનુભવતાં હોય, તે શિષ્ય હોય છે. જેનાં હ્રદયમાં ગુરૂ જીવંત બનીને રહેતાં હોય છે એવું શિષ્યત્વ જ સાર્થક બનતું હોય છે.
આ અવસરે પૂજય હિનાબાઈ મહાસતીજીએ સુંદર ભક્તિ ગીત દ્વારા તો પૂજ્ય સોનલબાઈ મહાસતીજીએ પૂજ્ય મા સ્વામીને ગુણોના આકાશ અને ગુણોના સાગર તેમજ એક વત્સલ્યમયી ગુરૂ મા તરીકે ઓળખાવીને સુંદર વક્તવ્ય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.એ સાથે જ માત્ર ૨૮ વર્ષના દીક્ષા પર્યાયમાં ૩૬ આત્માઓને દીક્ષાના દાન આપનારા રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના ગુણોની પ્રશસ્તિ કરીને એમના પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.
ઉપરાંતમાંશ્રી હરેશભાઈ વોરા,ડો.વિધુતભાઈએ પોતાના ભાવોની અભિવ્યક્તિ કરીને પૂજ્ય મા સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ઉપરાંતમાં, શ્રી અજયભાઈ શેઠ દ્વારાપૂજ્ય મા સ્વામીની સ્મૃતિ નિમિત્તે ૯ કરોડ રૂપિયાનું માતબર અનુદાન સાધર્મિક સહાય, ગોંડલની શ્રી રામ હોસ્પીટલ, જીવદયા અર્થે ઘોષિત કરવામાં આવતાં સર્વત્ર જયકાર ગૂંજી ઉઠ્યો હતો.
અંકિતભાઈ અને સાથી કલાકારો દ્વારા મધુર સૂર ગુંજન વહાવતા ભક્તિ સભર વાતાવરણમાં સમસ્ત રાજકોટ સનકવાસી જૈન સંઘના અગ્રણી મહાનુભાવો દેશનાં ખૂણે ખૂણેથી પધારેલા મહાનુભાવો, મુંબઈનાં અગ્રણી દાનવીર ચંદ્રકાંતભાઈ ગોગરી, ઝાલાવાડ સમાજનાં પી. જી., અશોકભાઈ મહેતા, અશોકભાઈ ભણશાલી, ઉલ્લાસભાઈ ગાલા, કિરીટભાઇ શાહ, હિરેનભાઈ શાહ આદિ આદિ અનેક અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવેલાં ‘મા ના અજવાળાં’ કાર્યક્રમ દ્વારા હજારો હૃદયે પૂજ્ય મા સ્વામીને ભક્તિભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
રોયલપાર્ક સ.જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા-ઓમાનવાળા ઉપાશ્રયમાં ચાર મહિના સુધી સ્રિતા કરીને એક ઐતિહાસિક ચાતુર્માસ પરિપૂર્ણ કરનારા રાષ્ટ્રસંતની પ્રેરણાથી સમગ્ર ચાતુર્માસ દરમ્યાન ‘શિશુ દર્શન’નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.જેના અંતર્ગત ઉત્સાહ અને શ્રદ્ધાભાવી જોડાયેલાં સેંકડો બાળકોની શુભ ભાવનાની પ્રશસ્તિ કરતો કાર્યક્રમ શ્રી સંઘના ઉપાશ્રયમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ અવસરે ઉપસ્થિત અનેક પેરેન્ટસે આ શિશુ દર્શનના આયોજન અંતર્ગત પોતાનાં બાળકમાં આવેલાં પરિવર્તનની અનુભૂતિને અભિવ્યક્ત કરીને રાષ્ટ્રસંત પ્રત્યે ઉપકાર ભાવની અર્પણતા કરી હતી.