ઉત્તર ભારતમાં બરફ વર્ષાના કારણે ગુજરાતમાં કાતીલ ઠંડી: નલીયા ૧૧.૨ ડિગ્રી, જૂનાગઢ ૧૩.૪ ડિગ્રી, રાજકોટ ૧૪ ડિગ્રી: ગીરનાર પર્વત પર પારો ૮ ડિગ્રીએ પહોંચ્યો
ઉતર ભારતમાં સતત હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કાતીલ ઠંડીએ બોકાસો ખોલાવી દીધો છે. આવતીકાલથી રાજયમાં ઠંડીનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ઠંડાગાર પવનો ફુંકાતા હોવાના કારણે જનજીવન રિતસર થરથર ધ્રુજી ઉઠયું છે.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. દિવસભર ઠંડાગાર પવનો ફુંકાવાના કારણે લોકો આખો દિવસ ગરમ વસ્ત્રોમાં વીંટોળાયેલા જોવા મળતા હતા. સામાન્ય રીતે રાજકોટમાં રવિવારે મોડીરાત સુધી રાજમાર્ગો પર લોકોની ચહલ પહલ જોવા મળતી હોય છે પરંતુ ગઈકાલે કાતીલ ઠંડીના કારણે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ જોવા મળતો હતો. મોડીરાત સુધી જાગતું રાજકોટ રવિવારે વહેલુ પોઢી ગયું હતું.
કચ્છનું નલીયા પણ આજે કાતીલ ઠંડીમાં થરથર ધ્રુજી ઉઠયું હતું. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૧.૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા અને ગઈકાલનું મહતમ તાપમાન ૨૪.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. રાજયનાં અનેક શહેરમાં આજે લઘુતમ તાપમાનનો પારો પટકાયો હતો. જુનાગઢમાં આજે કાતીલ ઠંડીએ ભુકકા બોલાવી દીધા હતા. લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કિ.મી પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. ગિરનાર પર્વત પર પારો ૮ ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. કાતીલ ઠંડીના કારણે સોરઠવાસીઓ પણ ધ્રુજી ઉઠયા છે.
ઉતર ભારતમાં સતત બરફવર્ષા ચાલુ હોવાના કારણે આવતીકાલ અર્થાત મંગળવારથી રાજયભરમાં ઠંડીનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. કાતીલ ઠંડીનું મોજુ રાજયભરમાં ફરી વળતા ગરમ કપડાના વેચાણમાં તોતીંગ ઉછાળો આવી ગયો છે. ઠંડી સામે રક્ષણ આપતા ખજુર, ચિકી સહિતના આરોગ્યપ્રદ ખોરાક તરફ લોકો વઘ્યા છે. વહેલી સવારે અને રાતે તો હાડ થ્રીજાવતી ઠંડીનો અનુભવ થાય છે પરંતુ દિવસભર ઠંડાગાર પવનો ફુંકાવાના કારણે લોકો ૨૪ કલાક ગરમ વસ્ત્રોમાં વિંટોળાયેલા જોવા મળે છે.