આંધ્ર પ્રદેશના સમુદ્ર તટ પર સોમવારે 100 કિમીની ઝડપે ફેથઈ વાવાઝોડું ફૂંકાશે. રાજ્ય સરકારે બંગાળની ખાડીમાંથી આવતાં વાવાઝોડાને લીધે હાઈ એલર્ટ જારી કર્યું છે. સાથે એનડીઆરએફ, એસડીઆરએફની બબ્બે ટીમોને તહેનાત કરાઈ છે અને સ્કૂલોમાં બે દિવસની રજા જાહેર કરાઈ છે.
બીજીબાજુ ભારે પવનને કારણે ગુજરાતના પોરબંદરમાં માછીમારોની 300 બોટ પરત આવી ગઈ છે. ફેથઈ વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. વાવાઝોડું આંધ્રના ગોલ અને કાકીનાડા તટ વચ્ચે તકરાઈ શકે છે. ગોદાવરી જિલ્લા કલેક્ટર કે. મિશ્રાએ કહ્યું કે કાંઠાના ક્ષેત્રોમાં 50 રાહત શિબિર ખોલવામાં આવ્યા છે.
પોરબંદરમાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પોરબંદરમાં નાની 2400 જેટલી બોટ અને 2200 જેટલી મોટી બોટ છે ત્યારે સમુદ્રમાં માછીમારી કરવા માટે 1500 જેટલી બોટ ગઈ હતી.