એક સરખા નામ વાળા ૮૬૬૫ મતદારોનું વેરીફિકેશન કરાશે: ૧૮ થી ૨૫ વર્ષનાં યુવાનોનું નામમતદાર યાદીમાં ઉમેરવા કેમ્પો યોજાશે: અવસાન પામેલા મતદારોનું નામ કમી કરવાની કવાયત હાથ ધરાશે
રાજકોટ જિલ્લાના દરેક બીએલઓને ડોર ટુ ડોર સર્વે કરવાનો મુખ્ય નિર્વાચિન અધિકારીએ વિડીયો કોન્ફરન્સમાં આદેશ આપ્યો છે. જિલ્લામાં એક સરખા નામવાળા ૮૬૬૫ મતદારોનું વેરીફીકેશન કરવાનું, ૧૮ થી ૨૫ વર્ષના યુવાનોનું નામ મતદાર યાદીમાં ઉમેદવાર કેમ્પો યોજવા તેમજ અવસાન પામેલા મતદારોનું નામ કમી કરવાની કવાયત હાથ ધરવા મુખ્ય નિર્વાચિન અધિકારીએ સુચના આપી છે.
જિલ્લા કલેકટર કચેરી ખાતે ગઈકાલે મુખ્ય નિર્વાચિન અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ધાંધલ તેમજ જિલ્લા ચુંટણી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્ય નિર્વાચિન અધિકારીએ રાજકોટ જિલ્લાની મતદાર યાદીની કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજકોટ જિલ્લામાં ઘણા મતદારોનું અવસાન થયા બાદ ફોર્મ નં.૭ ભરવામાં આવ્યા નથી. આ પ્રકારના કુલ ૫૦૮૪ મતદારો નોંધાયા છે. જેમાના ૪૬૭૭ ફોર્મ આવ્યા છે. જેથી ઘણા એવા મતદારોના નામ મતદારયાદીમાં બોલે છે. જે ખરેખર હયાત નથી. આવા મતદારોની ઘરે-ઘરે જઈને સર્વે હાથ ધરવા બીએલઓને મુખ્ય નિર્વાચિન અધિકારી મુરલી ક્રિષ્ના દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં એક સરખા નામવાળા ૮૬૬૫ મતદારો નોંધાયેલા છે ત્યારે આમાનાં કોઈ મતદાર ડમી નથી તે જાણવા માટે ઘરે-ઘરે જઈને વેરીફીકેશનની કામગીરી હાથ ધરવાની પણ સુચના આપવામાં આવી છે.
મુખ્ય નિર્વાચિન અધિકારીએ વિડીયો કોન્ફરન્સમાં યુવા મતદારોએ ખાસ ભાર આપ્યો હતો. તેઓએ ૧૮ થી ૨૫ વર્ષના વધુમાં વધુ યુવાનો મતદાર યાદી માટે રજીસ્ટ્રેશન કરાવે તે પ્રકારની કામગીરી કરવાની સુચના આપી હતી. ઉપરાંત રાજકોટની વિવિધ કોલેજો ખાતે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ખાસ કેમ્પ યોજવાની પણ સુચના આપી હતી. રાજકોટ જિલ્લામાં ૫૬૮૪ જેટલા દિવ્યાંગો નોંધાયા છે. ઉપરાંત વધુ કોઈ દિવ્યાંગ કે જે નોંધાયા ન હોય તેઓની પણ નોંધણી પ્રક્રિયા હાથ ધરવા બીએલઓને આદેશ આપવામાં આવ્યા છે. આમ જયારે બીએલઓ ઘરે-ઘરે જઈને સર્વે હાથ ધરશે ત્યારે ઘરમાં કોઈ દિવ્યાંગ છે કે નહીં તેની પણ તપાસણી કરશે. જો ઘરમાં દિવ્યાંગ હોય અને તેની નોંધણી ન થઈ હોય તો બીએલઓ દ્વારા તેનું નામ પણ નોંધવામાં આવશે. આમ આખા જિલ્લાના દિવ્યાંગ મતદારોની નોંધણી તૈયાર કરી ચુંટણી વખતે આ દિવ્યાંગો પાસેથી કઈ રીતે મતદાન કરાવડાવું કે જેથી તેને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ધ્યાનમાં રાખવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં ૧/૧/૨૦૧૯ થી ૧૮ વર્ષ પૂર્ણથતા હોય તેવા યુવાનોને સમાવવા માટે તંત્ર દ્વારા વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરવામાંઆવનાર છે. મતદાર સુધારણા કાર્યક્રમ તા.૧૫ ડિસેમ્બરના રોજ પૂર્ણ થયો છે ત્યારે નવી પ્રાથમિક પ્રસિઘ્ધ આગામી ૪ જાન્યુઆરીના રોજથનાર છે.