મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં કારમાં આવેલા ઇસમોએ ફાયરીંગ કર્યું હતું અને અમુક ઇસમોએ કરેલા અંધાધુંધ ફાયરીંગમાં એક 12 વર્ષના નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હતો. આ ઉપરાંત ચાર ઘવાયા હતા.
ફાયરીંગ કરવા આવેલા શખ્શો પૈકીના એકને ઝડપી લઈને ટોળાએ માર માર્યાહતો જેને પણ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. ફાયરીંગ જૂની અદાવતનો ખાર રાખી કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સુત્રોમાંથી મળી રહી છે તો ફાયરીંગમાં ઘવાયેલાને સિવિલ હોસ્પિટલ લઇ આવતા એલસીબી, એસઓજી અને એ ડીવીઝન પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જોકે ફાયરીંગ કરનાર ઈસમો કોણ હતા તે સ્પષ્ટ થયું નથી અને પોલીસે ફાયરીંગના બનાવ અંગે ધોરણસરની તપાસ હાથ ધરી છે
ફાયરીંગમાં ઈજાગ્રસ્ત ઇમરાન સુમરા (ઉ.વ.૨૨) આરીફ ગુલામ મીર (ઉ.વ.૩૨), સિપા વસીમ માંકડ (ઉ.વ.૧૨) તેમજ અન્ય એક બાળકને ઈજા પહોંચી છે તો ફાયરીંગ કરવા આવેલ પરપ્રાંતીય શખ્શને પણ ઈજા થઇ હોય જેને મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આરીફ મીરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ થયાની વાત વાયુવેગે પ્રસરી જતાં કાલિકા પ્લોટ વિસ્તારમાંથી એક જૂથનું 200 લોકોનું ટોળું પોલીસ સ્ટેશન સામે ધસી ગયું હતું અને તોડફોડ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાંને વિખેરી નાખ્યું હતું.