ટેકાના ભાવે મગફળી વેચનારા ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. ૧૦.૮૫ કરોડના ચૂકવણા કરતી રાજ્ય સરકાર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નિર્ણાયક નેતૃત્વનીરાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કરવામાં આવેલા નિર્ણયને પગલે રાજકોટજિલ્લામાંથી એજન્સી મારફત ખેડૂતો પાસેથી મગફળીનો જથ્થો પુર જોશમાં ખરીદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૯૦૧૯ ખેડૂતો પાસેથી ૧૮૩૬૯૩.૬ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. અત્યાર સુધીમાંમાત્ર ૮ ખેડૂતોનો જથ્થો ગુણવત્તોના માપદંડોના આધારે નાપસંદ થયો છે.
રાજકોટ જિલ્લામાંથી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં જોડાનાર ખેડૂતોની સંખ્યા અંગે પુરવઠા નિગમ પાસેથી પ્રાપ્ત આંકડાઓ મુજબ ધોરાજીના ૮૭૫, ગોંડલના ૯૧૧, જામકંડોરણાના ૧૧૫૮, જસદણના ૬૨૧, જેતપુરના ૮૪૧, કોટડા સાંગાણીના ૮૧૯, લોધિકાના ૭૬૩, પડધરીના ૭૪૯, રાજકોટ તાલુકાના ૭૮૮, ઉપલેટાના ૧૦૮૧ અને વિંછીયાના ૪૧૩ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આમ, જિલ્લામાં કૂલ ૯૦૧૯ ખેડૂતો પાસેથી મગફળી ખરીદ કરવામાં આવી છે.
ખેડૂતોને તેમની મગફળીની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા બનતી ત્વરાથી ચૂકવવામાં આવી રહી છે. અત્યાર સુધી રૂ.૧૦,૮૫,૬૭,૪૫૦ એટલે કે ૧૦.૮૫ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. એક રસપ્રદ બાબત એ છે કે રાજ્યમાં ખરીદ કરવામાં આવેલા મગફળીના કૂલ જથ્થા પૈકી ૩૦ ટકા જથ્થો રાજકોટ અને મોરબી જિલ્લામાંથી ખરીદ કરવામાં આવ્યો છે.
મગફળી ખરીદીમાં આ વખતે ચારચૌબંદ વ્યવસ્થા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ ખરીદીનું કેમેરામાં રેકોર્ડિંગ કરવામાંઆવી રહ્યું છે. મગફળની ગુણવત્તા બે વખત ચકાસવામાં આવી રહી છે.