સ્વચ્છતા સર્વેક્ષણના મુલ્યાંકનની સવા બે કલાક ચાલેલી મીટીંગથી અધિકારીઓ, કર્મચારીઓ કંટાળ્યા
દેશના અલગ-અલગ શહેરોને સ્વચ્છતા ક્રમાંક આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવાની કવાયત મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રોજે-રોજ મીટીંગનો દૌર ચાલી રહ્યો છે. ગઈકાલે બપોરે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ બોલાવેલી મીટીંગ મેરેથોન બની રહેતા અધિકારીઓ અને કર્મચારીઓ રીતસર ઝોલે ચડયા હતા. સવા બે કલાક સુધી મીટીંગ ચાલુ રહેતા અધિકારીઓ રીતસર કંટાળી ગયા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણના અલગ-અલગ મુદાઓમાં રાજકોટને કઈ રીતે વધુ માર્કસ મળે તે અંગે વિસ્તૃત માહિતી આપવા ગઈકાલે સોમવારે બપોરે ૧૨:૩૦ કલાકે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા ત્રણેય ડીએમસી, તમામ સીટી ઈજનેર, તમામ શાખા અધિકારીઓ, આસીસ્ટન્ટ મેનેજર અને વોર્ડ ઓફિસરો સાથે મીટીંગ બોલાવવામાં આવી હતી.
જેમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મીટીંગ ૩૦ થી ૪૫ મિનિટમાં પૂર્ણ થઈ જતી હોય છે પરંતુ મ્યુનિસિપલ કમિશનરે ૧૨:૩૦ કલાકે બોલાવેલી મીટીંગ છેક ૨:૪૫ કલાક સુધી ચાલતા અધિકારીઓ અને કર્મચારીઓમાં મીટીંગમાં બગાસે ચડી ગયા હતા. અમુક કર્મચારીઓ તો ઝોકા પણ આવી ગયા હતા.
લંચ બ્રેકનો ટાઈમ પણ મીટીંગમાં પસાર થઈ જતા કેટલાક કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. સાતેય કામ પડતા મુકીને સતત મીટીંગમાં હાજરી આપવી પડતી હોવાના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ તોબા પોકારી ગયા છે. આજે સવારથી ફરી મીટીંગનો દૌર શરૂ થઈ ગયો છે.