કોર્ટનું સમન્સ બજાવવા ગયેલા પોલિસ જવાન પર છરીથી હુમલો કર્યો હતો
આદરીયાણા ગામે કોર્ટનું સમન્સ બજાવવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલે હોસ્પિટલમાંથી આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ઝીંઝુવાડા પોલીસે ચારેય આરોપીઓને ઝબ્બે કરી પાટડી કોર્ટમાં રજૂ કર્યા હતા.
ઝીંઝુવાડા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભૂપતભાઇ કરમશીભાઇ દેકાડીયા આદરીયાણા ગામે કોર્ટના બિન જામીનલાયક વોરંટ ઇસ્યુ કરવા માટે ગયા હતા.
ત્યારે આદરીયાણાના ચાર શખ્સોએ આ પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરવાની સાથે ગાળો આપી છાતીના ભાગે છરી વડે હુમલો કરવાની સાથે વોરંટ પણ ફાડીને ફેંકી દીધુ હતુ.
આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ભૂપતભાઇ કરમશીભાઇએ આદરીયાણાના કાન્તીભાઇ ગણેશભાઇ ઠાકોર, મનાભાઇ કાન્તીભાઇ ઠાકોર, સુખાભાઇ કાન્તીભાઇ ઠાકોર અને હસમુખ કાન્તીભાઇ ઠાકોર વિરૂધ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
આ કેસની તપાસ કરી રહેલા ઝીંઝુવાડા પીએસઆઇ આર.આર.બસંલ સહિતના પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આ કેસના ચારેય આરોપીઓને આદરીયાણા ગામેથી ઝબ્બે કરી પોલીસ રીમાન્ડ મેળવવા પાટડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.