ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પાક.ના વિદેશમંત્રીને આપ્યો વળતો જવાબ
ઇમરાનને ‘વાઘ આવ્યો’ કહેવત નડી રહી છે
પાકિસ્તાનને હાલ પોતાનો ખરડાયેલો વારસો ખૂબ જ નડી રહ્યો છે ઇમરાન ખાન ભારત સાથે સંબંધો સુધારવા તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે પાક.ની મેલી મથરાવટીના કારણે અને ખરાબ ભૂતકાળના આધારે કોઇપણ પ્રયાસો સફળ નથી થઇ રહ્યાં ત્યારે કરતારપુર કોરીડોર મામલે પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશી દ્વારા ગુગલી નામ આપી જે નિવેદન આપવામાં આવ્યું હતું.
તે ડેમેજ કંટ્રોલને કંટ્રોલ કરવા પાક. વડાપ્રધાન ઇમરાન ખાન આગળ આવ્યાં છે તેઓએ કરતારપુર કોરીડોર ઓપનિંગ કોઇ ગુગલી નથી તેમ સ્પષ્ટ જણાવ્યું હતું આપને જણાવી દઇએ કે કરતારપુર કોરીડોરના સિલાન્યાસ કાર્યક્રમમાં બે ભારતીય મંત્રીઓ સામેલ હતા ત્યારે પાક.ના વિદેશમંત્રીએ કહ્યું હતું કે આ ઇમરાન ખાનની ગુગલી છે.
૨૮ નવેમ્બરે પાકિસ્તાનમાં યોજાયેલા કાર્યક્રમમાં બે ભારતીય મંત્રીઓ હરસિમરત કૌર બાદલ, હરદીપસિંહપુરી તેમજ કોગ્રેસ નેતા નવજોતસિંહ સિધ્ધુ ઉપસ્થિત રહ્યાં હતાં. કુરેશીએ જણાવ્યું હતું કે ભારત સરકારે જ્યારે કીધુ હતું કે તેઓ પાકિસ્તાનની સાથેની વાતચીતમાં સામેલ નહીં થાય તેમ છતાં પણ તેઓના બે મંત્રીને શિલાન્યાસ કાર્યક્રમમાં મોકલ્યા હતાં.
વિદેશમંત્રી કુરેશીના વિવાદાસ્પદ નિવેદન ઉપર ભારતે ખૂબ જ તિખ્ખી પ્રતિક્રિયા આપી છે ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે પાક. વિદેશમંત્રીના નિવેદનની કહીકત સામે આવી ગઇ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શીખ સમુદાયની ભાવનાઓનું પણ તેઓએ સન્માન નથી કર્યુ.
કુરેશી અને સુષ્મા સ્વરાજ વચ્ચે થયેલાં શાબ્દિક યુધ્ધને લઇ પાક.ના વડાપ્રધાને જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ સાચી નિયતથી ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ સ્થાપિત કરવા માંગે છે. પાક.ના વિદેશમંત્રીને આડે હાથ લેતાં સુષ્મા સ્વરાજે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે આપની ગૂગલીવાળી વાત બીજા કોઇને નહીં પરંતુ આપના નાપાક મનસૂબાને ઉજાગર કર્યા છે. શીખ સમુદાયની ભાવના સાથે ખરાં અર્થમાં આપે જ ગૂગલી ફેંકી છે.
વધુમાં ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત પાક.ની ગૂગલીમાં સહેજ ફસાણો નથી ભારતના બે શીખ મંત્રી પવિત્ર ગુરુદ્વારામાં દર્શનાર્થે ગયાં હતા કરતારપુર કોરીડોરના શિલાન્યાસ પ્રસંગના આગલા દિવસે જ સુષ્મા સ્વરાજે ભારત પાક. વચ્ચે દ્વિપક્ષીય બેઠકની ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે પાકિસ્તાન જ્યાં સુધી ભારત વિરુધ્ધ આતંકી પ્રવૃતિઓને રોક નહીં લગાવે ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વાતચીત સંભવ નથી.