પુસ્તકો ઉપરાંત અંધજનો માટે સ્પેશિયલ ટોકીંગ બુક અને ઓડિયો બુક પણ વસાવાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રોફ રોડ પર બનાવવામાં આવેલી દતોપંત ઠેંગડી પુસ્તકાલય ખાતે ચાલુ સાલ બ્રેઈલ કોર્નર શરૂ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. આ માટે જરૂરી બુક સહિતના સાધનો ખરીદવા માટે ૫૦ હજારનો ખર્ચ મંજુર કરાવવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શ્રોફ રોડ લાયબ્રેરી ખાતે અંધજનોને પુસ્તકોની સાથે અન્ય સુવિધા આપવા માટે સ્પેશિયલ ડિજિટલ ટોકીંગ બુક અને ઓડિયો બુક પણ વસાવવાની આવશ્યકતા છે. ટેકનોલોજી સેન્ટર ફોર ધ બ્લાઈન્ડ, બ્લાઈન્ડ પીર્પલ્સ એસોસીએશન અમદાવાદ દ્વારા આવી ૮ હજાર જેવી ઓડિયો બુક તૈયાર કરવામાં આવી છે. સંસ્થાના કોડીનેટર આર.પી.સોનીએ ઓડિયો બુક તથા ઈ-બુક અંધજન માટે લાયબ્રેરીની સેવા પુરી પાડતી સંસ્થા ખરીદે તો અડધી કિંમતે આપવાની તૈયારી દર્શાવી છે. ઓડિયો બુકના ડેટા કોપી કરવા માટે હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ ખરીદ કરવાની થાય છે. જેના માટે ૫૦ હજારનો ખર્ચ મંજુર કરવા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા મંજુરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં શ્રોફ રોડ પર આવેલી દતોપંત ઠેંગડી પુસ્તકાલયમાં અંધજનો માટે બ્રેઈલ કોર્નર શરૂ કરવામાં આવશે.