૧૨૦ હિજરતીઓ માટે અન્ન, પાણી તેમજ ૭૫૦ પશુ માટે ઘાસચારાની તાતી જરૂરીયાત: તંત્ર સામે મદદની અપેક્ષાએ હાથ ફેલાવતા હીજરતીઓ.
હળવદ તાલુકાનાં ઘનશ્યામપુર ગામે કચ્છ જિલ્લાનાં બે ગામના ૨૫ પરિવારના ૧૨૦ લોકો હિજરત કરીને આશરો લીધો છે. ૨૦ જેટલા બાળકોનું ભણતર બગડી રહ્યું છે. જ્યારે ૭૫૦ માલઢોર ઘાસચારા અને પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગામના લોકોએ અત્યાર સુધી અનાજ, પાણી, ઘાસચારાની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ હવે તેમને પણ અછત વર્તાઈ જતાં કચ્છી-માડૂએ તંત્ર સામે હાથ ફેલાવ્યા છે.
લીંબડી નેશનલ હાઈવે પર હળવદ તાલુકાનાં ઘનશ્યામપુર ગામના બોર્ડ પાસે ભુજના સરાડા અને લોરીયા ગામના ૨૫ પરિવારોના ૧૨૦ માલધારીઓ, મહિલાઓ અને બાળકોએ આશરો લીધો છે. કચ્છી માલધારીઓના ૭૫૦ ઢોર આજુબાજુના વિસ્તારમાં રખડીને પેટ ભરી રહ્યા હતા. પરંતુ હવે ચરવા માટે ઘાસચારો નહીં રહેતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
માલઢોરના ઘાસચારા સાથે પીવાના પાણીનો પણ પ્રશ્ન ઉભો થયો છે. મહિલાઓ દૂરથી ચાલીને પાણી લાવી રહ્યા છે. ઘનશ્યામપુર ગામના લોકોએ મહિના સુધી હિજરતી લોકોને અનાજ, પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી માનવતાનો ધર્મ નીભાવ્યો પરંતુ હવે તો ગામમાં પણ અછત વર્તાઈ રહી છે. ત્યારે કચ્છી-માડૂ માલધારીઓએ તંત્ર સામે અન્ન, પાણી માટે ગુહાર લગાવી છે.
માલધારીઓએ જણાવ્યું કે હાલ અમારા માલઢોર મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. હવે જો ત્વરિત પાણી અને ઘાસચારો નહીં મળે તો મોટાપાયે પશુધન મરણ પામે તેવી દહેશત ઉભી થઈ છે. આ અંગે લીંબડી મામલતદારે જણાવ્યું કે બે દિવસ સુધી અમે કશું પણ કરી શકીએ તેમ નથી. ૧ ડિસેમ્બરે અસર સહાય મળે પછી અગ્રતાના ધોરણે માલધારીઓના નાના મોટા પશુધન પ્રમાણે ગણતરી કરી ઘાસ કાર્ડ આપી દેવામાં આવશે.