વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ તારીખ ૫ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. આ જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે યોજાશે ત્રિ-દિવસીય ‘સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞ’.
યજ્ઞ એ મૂળ સંસ્કૃતની ‘યજ’ ધાતુમાંથી બનેલો શબ્દ છે જેનો અર્થ દાન, દેવ પૂજન તથા આહુતિ થાય છે. યજ્ઞ કરવાથી સંસારનું કલ્યાણ થાય છે. યજ્ઞનું વૈજ્ઞાનિક મહત્વ પણ ઘણું છે, જેમ અનાજના દાણાને માટીમાં ઉગાડવાથી વિપુલ પ્રમાણમાં પાક મળે છે તેમજ યજ્ઞમાં આહુતીમાં અપાતી વસ્તુ પણ અગ્નિમાં ભળીને અનેક ગણી વધુ શક્તિશાળી બની જાય છે, જેથી ઔષધ રૂપે તે મનુષ્ય સહિતનાં પ્રા ણીઓનાં શરીરમાં સ્નાયુઓ, શ્વસનક્રિયા, પાચનક્રિયા અને લોહીના પરિભ્રમણ એમ શરીર પર ખૂબ જ સકારત્મક અસર ઊભી કરે છે. યજ્ઞમાંથી નીકળતો ધુમાડો વ્યક્તિના શ્વાસોચ્છવાસમાં જઈ શરીરને શુદ્ધ કરે છે.
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, કાયરતા, આળસ, આવેશ, સંશય, વગેરે માનસિક ઉદ્વેગોની ચિકિત્સા માટે યજ્ઞ એક અજોડ પધ્ધતિ છે.શાસ્ત્રોમાં કહેવાયું છે કે,
‘યજ્ઞ દ્વારા આયુષ્ય,આરોગ્ય,તેજસ્વીતા,વિદ્યા,યશ,વંશવૃદ્ધિ,ધનપ્રાપ્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે’.
• યજ્ઞ એટલે માનવ ઉત્કર્ષની પવિત્ર પરંપરા.
• યજ્ઞ એટલે માનવ ઉત્કર્ષનું પરમ પવિત્ર પર્વ.
• સ્વાસ્થ્ય વર્ધક છે યજ્ઞ કારણ કે તે શરીર ઉપર ચમત્કારિક ચિકિત્સક પ્રભાવ પાડે છે.
• શાંતિ વાહક છે યજ્ઞ, કારણ કે અહીં વહે છે વિશ્વશાંતિની ભાવના.
• સમાજ ઉધારક છે યજ્ઞ,કારણ કે અહીં જન્મે છે સમાજ કલ્યાણની ભાવના.
• સંપ કારક છે યજ્ઞ, કારણ કે અહીં પરિવાર સમૂહમાં પ્રાપ્ત કરે છે એકતાના પાઠ.
• યજ્ઞ એટલે પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર.
• યજ્ઞ એ યજ્ઞ દેવતાને આહુતિ અર્પવાનો અવસર છે.
• યજ્ઞ એ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું યજ્ઞફળ પામવાનો અવસર છે.
• યજ્ઞ એ પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરવાનો શુભ અવસર છે.
યજ્ઞની વિશેષતાઓ
• છાણ-માટીથી સુંદર લીપણ કરેલા ૫૦૦ યજ્ઞકુંડ.
• એક યજ્ઞકુંડની વૈદી ફરતે ૧૦ પાટલા પર ભગવાનની મૂર્તિઓ વિરાજિત થશે તદુપરાંત ૧૦ યુગલો યજ્ઞમાં જોડાશે.
• જુવારાથી સુશોભિત સંપૂર્ણ યજ્ઞશાળા.
ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરાને ચિરંતન રાખવા માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મ જયંતી મહોત્સવ ઉપક્રમે તારીખ ૧૦, ૧૧ અને ૧૨ ડિસેમ્બર દરમ્યાન પ.પૂ. મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ત્રણ દિવસ સુધી યોજાનાર આ દિવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞમાં હજારો યજમાનો લાભ લઈને કૃતાર્થ થશે.