ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસેથી ગુમ થયેલા બાળકોની વિગતો માંગી

રાજયમાં ગુમ થતાં બાળકો અંગે વાલીઓ તેમજ તંત્ર એલર્ટ થયું છે. ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારને ગુમ થયેલા બાળકોની વિગત માંગી હતી. વકીલ જી.એમ.દાસ દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ અંતર્ગત હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબો માંગ્યા હતા.

વર્ષ ૨૦૧૬માં ગુજરાતમાં ૧૧ હજાર બાળકો ગુમ થયા હોવાનું કેન્દ્ર સરકારની વેબસાઈટ પર દર્શાવવામાં આવ્યું હતું. બાળકોના ગુમ થવાની બાબતને ખુબજ ગંભીરતાથી લેવી જ‚રી છે. જેમાં રાજય સરકારે કહ્યું હતું કે, ૩૫૦૦ બાળકો ગુમ થયા હોવાનું નોંધાયું છે. જેમાંથી ૩૦૦૦ જેટલા બાળકો મળી ચુકયા છે. ત્યારે કેન્દ્ર સરકારની વેબસાઈટ પર દર્શાવેલા આંકડા અંગે હાઈકોર્ટે સરકાર પાસેથી ગુમ થયેલા બાળકોની વિગતો અને આંકડાની સ્પષ્ટતા માંગી હતી.આ પહેલા પણ હાઈકોર્ટમાં થોડા વર્ષ પહેલા ગુમ થયેલા બાળકો અંગે અરજીઓ દાખલ કરવામાં આવી હતી ત્યારે સરકારે ગુમ થતાં બાળકોને શોધવામાં તેમજ ટ્રેસ કરવા માટે સ્પેશ્યલ સેલના નિર્માણના વચનો આપ્યા હતા પરંતુ હજુ પણ સ્થિતિમાં સુધાર આવ્યા નથી.

દાખલ કરાયેલી પીઆઈએલમાં વકીલે કહ્યું કે, ૨૦૧૫ અને ૨૦૧૬માં ગુજરાતમાં ૨૨૫૭૬ બાળકો ગુમ થયા હોવાના આંકડા દર્શાવવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૦૩૫ બાળકો મળી ચુકયા છે તો રાજય સરકારના દર્શાવેલા આંકડા અને કેન્દ્ર સરકારની વેબસાઈટ પરના રિપોર્ટોમાં હાથી-ઘોડાનો તફાવત શા માટે ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.