હેન્ડસ ફ્રી કાનમાં લગાવી ટ્રેક પર ચાલતા જીવ ગમાવતા પરિવારમાં શોક
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક રેલવે લાઈન પર હેન્ડસફ્રિમાં ગીત સાંભળવામાં મશગુલ યુવાન ટ્રેનની ઠોકરે ચડી જવાથી ફંગોળતા બાજુની સિમેન્ટની આડશમાં અથડાવાથી મોત નિપજયું હતું. જોકે આ ગંભીર બનાવ બાદ કલાકો સુધી મોરબી તાલુકા અને માળીયા પોલીસ વચ્ચે હદનો પ્રશ્ન હદ વટાવતા પાંચ કલાકની અંતે મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
મોરબીના ઝીંઝુડા ગામે રહેતા કાદરભાઈ હુશેનભાઈ નડે (ઉ.વ.૨૫) નામનો યુવાન આજે મોરબીના પીપળીયા ચોકડી નજીક મોબાઈલમાં હેન્ડસફ્રિ લગાવી ગીતો સાંભળવામાં એટલો મશગુલ હતો કે તેને પીપળીયા ચોકડી નજીક કયારે રેલવે ટ્રેક પર ચડી ગયો તેનો તેને ખ્યાલ રહ્યો ન હતો.
બાદમાં ધસમસતી આવતી ટ્રેનની પણ ખબર ન રહેતા આ યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા ફંગોળાતા રેલવે ટ્રેકની બાજુમાં રાખવામાં આવેલી તોતીંગ સિમેન્ટની આડશ સાથે જોરદાર ભટકાતા સાથે અથડાતા કાદરભાઈ નડેને ગંભીર ઈજા પહોંચવાથી ઘટના સ્થળે જ તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગે મોરબી તાલુકામાં પોલીસમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.