યુનિવર્સિટીના ૮ સ્પોર્ટસ ગ્રાઉન્ડને જીવંત કરવા ૮ પીટીઆઈ-ગ્રાઉન્ડમેન નિમાશે
રૂ.૧ કરોડનું બાકી કામ પૂર્ણ થયા બાદ જ ૭ કરોડ ચૂકવાશે: એક નવા કોર્ષને સર્વાનુમતે બહાલી આપવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ મળનારી સિન્ડીકેટ સ્વીમીંગ પુલના રૂા.૨ કરોડના ખર્ચ મામલે તોફાની બની હતી. ઓલમ્પીંક કક્ષાના સ્વીમીંગ પુલ નિર્માણમાં કોન્ટ્રાકટરને વધારાના ૨ કરોડ ચૂકવવાનો યુનિવર્સિટીએ માંડી વાળ્યું છે. જો કે, સ્વીમીંગ પુલ મામલે સિન્ડીકેટ બેઠકમાં સભ્યો વચ્ચે સટાસટી બોલી હતી અને એક કરોડનું બાકી કામ પૂર્ણ થયા બાદ જ રૂા.૭ કરોડ ચૂકવવાનું સિન્ડીકેટ બેઠકમાં નકકી કરાયું છે. આ ઉપરાંત નવા એક કોર્ષને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે.
પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણના સમયગાળા દરમિયાન યુનિવર્સિટીમાં ઓલમ્પીંગ કક્ષાના સ્વીમીંગ પુલનું નિર્માણ કામ હાથ ધરવામાં આવ્યું હતું. ૨ સ્વીમીંગ પુલ અને શુટીંગ રેન્જના નિર્માણ માટે રૂ.૭.૮૦ કરોડનું એસ્ટીમેન્ટ તૈયારી કરવામાં આવ્યું હતું. જો કે, સ્વીમીંગ પુલ બનાવનાર કોન્ટ્રાકટરે વધુ ૨.૮૧ કરોડનો ખર્ચ દર્શાવ્યો હતો. હાલ તો કોન્ટ્રાકટરને રૂ.૪ કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા સ્વીમીંગ પુલના નિર્માણ માટે ૭ બીલ મુકવામાં આવ્યા છે અને એકસેસ રકમ રૂ.૨.૮૧ કરોડ મુકવામાં આવી છે જેને લઈ યુનિવર્સિટીના સત્તાધીશોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આજે મળનારી સિન્ડીકેટની બેઠકમાં સ્વીમીંગ પુલના બાકીના રૂપીયા ચૂકવવાની વાત કરવામાં આવી હતી. જો કે, સિન્ડીકેટ બેઠકમાં આ મામલે અનેક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સ્વીમીંગ પુલના નિર્માણ માટે વધારાનો ખર્ચ તો મંજૂર કરવામાં નહીં જ આવે, જો કે કોન્ટ્રાકટરની રૂ.૮૫ લાખની ડિપોઝીટ પણ બાકી છે અને રૂ.૧ કરોડનું કામ પણ અધુરું હોય ત્યારે આ કામ પૂર્ણ થયા પછી રૂ.૭.૩૫ કરોડ ચૂકવવામાં આવશે. હજુ થર્ડ પાર્ટી ઈન્ફેકશન પણ સામે આવ્યું નથી. સત્તાધીશો દ્વારા થર્ડ પાર્ટી ઈન્ફેકશન થયા બાદ પણ વધારાની રકમ ચૂકવવામાં નહીં આવે તેવું હાલ જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત સિન્ડીકેટ બેઠકમાં બે વાગ્યા સુધીમાં બીજા ૮ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નર્સીંગની ભાગ્યોદય એજયુકેશન કોલેજ રાજકોટ, રાધા-કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સંચાલીત એન.એલ.અમોદ્રા ચરડવા અને રાજકોટની ક્રાઈસ્ટ નર્સીંગ કોલેજને બહાલી આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
જયારે અમી નારાયણ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટને નવા બીએસસી નર્સીંગની મજુરી સર્વાનુમતે આપવામાં આવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં વોકઈન ઈન્ટરવ્યું દ્વારા કરાર આધારીત આસિસ્ટન્ટ પ્રોફેસર ૧૧ માસ માટે રૂ.૨૫૦૦૦ના ફિકસ વેતનથી નિમણૂંક કરવા માટે ચર્ચા વિચારણા કરાઈ હતી.
તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજ માટે ઉનાળુ વેકેશનની પણ તારીખ જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે ૨૫-૪-૨૦૧૯ થી ૧૧-૬-૨૦૧૯ સુધી ઉનાળુ વેકેશન રહેશે.
આજની આ સિન્ડીકેટ બેઠક કાર્યકારી કુલપતિ ડો.નિલાંમ્બરીબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં સિન્ડીકેટ સભ્ય ડો.નેહુલ શુકલ, ડો.મેહુલ રૂપાણી, વિજય દેસાણી, ડો.પ્રતાપસિંહ ચૌહાણ, ડો.ધરમ કાંબલીયા, ડો.ભરત રામાનુજ સહિતનાઓ હાજર રહ્યાં હતા.