વોર્ડ નં.૧માં રૈયાધાર, ઈન્દિરાનગર, શાસ્ત્રીનગર, હિંમતનગરને લાગુ મફતિયાપરા તથા વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૩૧ના બાકીના વિસ્તારો અને ભગવતીપરામાં ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ થશે.
નિયમિત વેરો ભરી શહેરના વિકાસમાં સહભાગી થતા પોશ વિસ્તાર થતા મધ્યમ વિસ્તારો તો ઠીક પરંતુ હવે મહાપાલિકા દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તાર એટલે કે મફતિયાપરાઓમાં પણ મફતની સુવિધા આપવામાં આવશે. શહેરના વોર્ડ નં.૧ અને વોર્ડ નં.૪માં અલગ-અલગ વિસ્તારોમાં ડ્રેનેજના કામ માટે રૂ.૨૦.૬૫ કરોડનો ખર્ચ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૧માં રૈયાધાર તથા તેને લાગુ વિસ્તારોમાં ડ્રેનેજની મુખ્ય લાઈન નાખવા, મેઈન હોલ ખાતે હાઉસ ચેમ્બર બનાવવા માટે રૂ.૧૦.૭૩ કરોડનું એસ્ટીમેન્ટ હતું. ૩૪ ટકા ઓન સાથે આ કામ રૂ.૧૪.૩૮ કરોડમાં શ્રી સ્ટર્લીંગ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની લીમીટેડને આપવામાં આવ્યું છે.
રૈયાધાર વિસ્તારના મુખ્ય ઈન્દિરાનગર મફતીયા, શાસ્ત્રીનગર મફતિયાપરા, મારવાડી મફતિયાપરા, રૈયા ગામતળના શાંતિનિકેતન સોસાયટી, બંસી પાર્ક, હિંમતનગરને લાગુ મફતિયાપરા તથા નવા ગાર્બેજ કલેકશન વિસ્તારમાં વસવાટ કરતા અંદાજે ૧૦ હજાર જેટલા નાગરિકોને ડ્રેનેજની સુવિધા મળશે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં આજે વોર્ડ નં.૪માં પ્રોવાઈડીંગ, લોવરીંગ, લેઈંગ, જોઈનીંગ એન્ડ ટેસ્ટીંગ વર્ક નેટવર્ક અને હાઉસ સિસ્ટમ અંતર્ગત ડ્રેનેજના કામ કરવા માટે રૂ.૬.૨૭ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જેનાથી વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૩૧ના એવા વિસ્તારો કે જયાં ડ્રેનેજની સુવિધા નથી અને ભગવતીપરાને ડ્રેનેજની સુવિધા મળશે. આ કામ અંતર્ગત ૫૨૧ મેઈન હોલ બનાવવામાં આવશે. ૨૨૫૦ હાઉસ ચેમ્બર્સ બનાવાશે અને ૨૨૫૦ ઘરોને કનેકશન આપવામાં આવશે. આજે સ્ટેન્ડિંગમાં ડ્રેનેજ કામ માટે રૂ.૨૦.૬૫ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
કોંગ્રેસમાં અનુભવની અછત: ૧૧ ટકા ઓનવાળી દરખાસ્તનો વિરોધ, ૩૪ ટકા ઓન સર્વાનુમતે મંજુર
દેશની સૌથી જુની રાજકિય પાર્ટી કોંગ્રેસના નેતાઓમાં અનુભવની અછત હોવાનું વધુ એકવાર પુરવાર થઈ ચુકયું છે. આજે મહાપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.૧૧ના કોંગી કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ અલગ-અલગ ૩ દરખાસ્તોનો વિરોધ કર્યો હતો. વોર્ડ નં.૪માં ડ્રેનેજના કામો માટે રૂ.૬.૨૭ કરોડ મંજુર કરવામાં આવ્યા હતા જેમાં ૧૧.૧૧ ટકા ઓન ચુકવવામાં આવી હતી.
આ દરખાસ્તનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ આવી જ એક દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજુરી અર્થે રજુ કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં.૧માં રૈયાધાર તથા તેને લાગુ વિસ્તારોમાં ડ્રેનેજની મુખ્ય લાઈન નાખવા, મેઈન હોલ અને હાઉસ કનેકશન ચેમ્બર બનાવવા માટે રૂ.૧૪.૩૮ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. આ કામમાં ૩૪ ટકા જેટલી તગડી ઓન ચુકવવામાં આવી હોવા છતાં અનેક આશ્ર્ચર્યો વચ્ચે કોંગ્રેસના સ્ટેન્ડિંગ સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ આ દરખાસ્તનો વિરોધ કર્યો ન હતો. આ પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસમાં અનુભવની અછત છે.