ગુજરાત વિદ્યાપીઠમાં અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નિલેશ પંડયા સહિતના લોક કલાકારોએ બોલાવી રમઝટ: મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમને માણ્યો
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ, પિનાકી મેઘાણીનાં માતા તથા આજીવન સમાજસેવિકા – પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહનાં નાનાં બહેન સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી દ્વારા સપિત ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ગાંધીજીને પ્રિય એવાં મેઘાણી-ગીતોનાં ‘માતૃવંદના સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન થયું હતું. સાક્ષર, સ્વાતંત્ર-સેનાની રામનારાયણ વિ. પાઠકના નિમંત્રણી ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે આવેલા ઝવેરચંદ મેઘાણીએ ત્યાંનાં યુવા વિદ્યાર્થીઓને ગીતો સંભળાવ્યાં હતાં તેથી આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ રહ્યું.
મેઘાણી પરિવારમાંથી પિનાકી મેઘાણી, ડો. શેણી મેઘાણી, મંજરીબેન મેઘાણી અને રમેશભાઈ બાપોદરા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈ, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામિકભાઈ શાહ, સ્વ. જયાબેન વજુભાઈ શાહ પરિવારમાંથી ડો. અક્ષયભાઈ-અનારબેન શાહ, ડો. અમિતાબેન-ડો. દિનેશભાઈ અવસથી, ડો. પ્રીતિબેન, અજયભાઈ, તુષારભાઈ, અમીબેન અને હનીબેન, સ્વ. લીનાબેન રજનીકાંતભાઈ ગોસલીયા પરિવારમાંથી રૂપાબેન-ભરતભાઈ-મિતાલી મહેતા અને આશ્લેષા મોદી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી, ભાલ નલકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી આશ્રમ)ના પ્રમુખ ધીરૂભાઈ ડાભી, ગુજરાત વિદ્યાપીઠ નઈ તાલીમ સંઘના મહામંત્રી જેસંગભાઈ ડાભી, સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલીયા, સીએફડીએનાં ડીરેકટર ઈન્દિરાબેન હીરવે, નિવૃત્ત આઈએએસ અધિકારી પી. કે. ગઢવી, કર્નલ યશવંત જોષી સહિત મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતનાં ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, ઋષભ આહીર અને ગંગારામ વાઘેલા ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો રજૂ કર્યાં હતાં. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. કુસુમબેન મેઘાણી પ્રત્યે લાગણી અને આદરભાવી પ્રેરાઈને અભેસિંહભાઈ રાઠોડ અને સહુ કલાકારોએ સ્વરાંજલિ અર્પણ કરી હતી જે ખાસ ઉલ્લેખનીય છે. ભક્ત-કવિ નરસિંહ મહેતા રચિત ગાંધીજીને અતિ પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએને અભેસિંહ રાઠોડે મૂળ પ્રભાતી ઢાળમાં રજૂ કરીને કાર્યક્રમનો આંરભ કર્યો. વાદ્ય-વૃંદ ચંદ્રકાંત સોલંકી (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), જયંતી કબીરા (વાયોલીન), હેમુ પરમાર (બેન્જો), જગદીશ વાઘેલા-મોહિત વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો. સાઉન્ડ સિસ્ટમની સેવા શ્રધ્ધા સાઉન્ડ બહાદુરસિંહભાઈ (અમદાવાદ)એ આપી હતી.
વિવિધ મેઘાણી-સ્મૃતિ કાર્યક્ર્મો માટે પ્રેરણાસ્તોત્ર કુસુમબેન મેઘાણીની સ્મૃતિમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન દ્વારા કરાયું હતું. આયોજનમાં ગૂજરાત વિદ્યાપીઠ તેમજ અભેસિંહભાઈ રાઠોડ, ગોવિંદસંગભાઈ ડાભી, શૈલેષભાઈ સાવલીયા, જતીનભાઈ ઘીયાનો સવિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.