ભ્રષ્ટાચારીઓ સામે લોકોમાં ભારે રોષ: ભ્રષ્ટાચારીઓ રાજીનામા નહીં આપે તો ૬ઠ્ઠીએ જાહેરસભા બોલાવાનું આહવાન કરાયું.
કેશોદ તાલુકાના કેવદ્રા ગામે સેવા સહકારી મંડળી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને અનાજનો જથ્થો ઓછો આપી તેમજ મોટી ઉંમરના લોકોને અંગુઠો ન આપવાનું કારણ બતાવી તેમનો માલ બારોબાર વેંચી નાખવાનો કૌભાંડનો ભ્રષ્ટાચાર ગામના સામાજીક કાર્યકર ભરત લાડાણીએ ખુલ્લો કરતા ભારે સનસનાટી મચી ગઈ છે.
કેવદ્રા ગામે સર્વોદય સેવા સહકારી મંડળી નીચે ચાલતી સંસ્થા અનાજની દુકાનમાં વિદેશ ગયેલા પરિવાર તથા ગરીબ પરિવારને વ્યકિતદિઠ ચાર કિલો અનાજ ઓછું આપી મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો આ સંસ્થા અનાજની દુકાનેથી માલ લેનારને કોમ્પ્યુટર પહોંચ અપાતી ન હતી અને હાથે લખેલી ચીઠ્ઠી બનાવી છેલ્લા ઘણા વર્ષથી ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો ત્યારે આ ભ્રષ્ટાચારને બહાર લાવનાર જાગૃત નાગરિક ભરત લાડાણી કેવદ્રા ગામે ભ્રષ્ટાચાર પોલ ખોલનો કાર્યક્રમ રાખતા આ સભામાં ગામ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને આ સભામાં ભ્રષ્ટાચારના પુરાવા લોકોને આપવામાં આવ્યા હતા.
આ ભ્રષ્ટાચાર વિરોધી સભામાં ભરત લાડાણીએ સહકારી મંડળી તથા કેવદ્રા ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા જણાવેલ હતું કે કેવદ્રા ગ્રામ પંચાયતે ૨૫ કિ.મી.રોડના ખોટા બીલ ઉધારેલ છે. તેમજ ગામમાં કોઈ તળાવ કે ચેકડેમ નથી બન્યો છતાં પંચાયત દ્વારા બિલો બનાવી મોટી રકમનો ભ્રષ્ટાચાર કરેલ છે. કેવદ્રા ગ્રામ પંચાયતનો વહિવટ જુનાગઢ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ લાડાણીના માતુશ્રી સરપંચ તરીકે સંભાળી રહ્યા છે.
ત્યારે જયેશ લાડાણી અને મળતીયા સામે સભામાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો ભરત લાડાણીએ કર્યા હતા અને તેની પુરાવા સાથે લોકોને રજુઆત કરતા આ ભ્રષ્ટાચારીઓ સામે ગામ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને આ ભ્રષ્ટાચારીઓ રાજીનામા નહીં આપતા ફરી ગામ લોકોની આગામી ૬/૧૨ના જાહેરસભા ભરત લાડાણી બોલાવશે તેમ જાહેરસભામાં આહવાન કરવામાં આવ્યું છે.