કેમ્બ્રિજ એનાલીટીકા અને ડેટા ચોરી બાદ ફેસબુક ફેક ન્યુઝ, મોબલીન્ચીંગ અને વિશ્ર્વસનીયતા અંગે કેટલાક પડકારોનો સામનો કરી રહ્યું છે. સતત ફેસબુકના યુઝરોનું પ્રમાણ પણ ઘટવા તરફ જઈ રહ્યું છે. એક સમયની સૌથી પ્રચલીત અને બહોળા પ્રમાણમાં ગ્રાહકો ધરાવનાર સોશ્યલ મીડિયા જાયન્ટ ગણાતી એવી ફેસબુક આર્થિક, સામાજીક, રાજનૈતિક પડકારોનો સામનો કરી રહી છે જેનું કારણ ફેસબુકના હોદ્દેદારો હોવાનું સામે આવ્યું છે.
કેટલીક વખત ફેસબુકે અને સમાચાર પત્રોએ પણ કહ્યું હતું કે, ફેસબુકની હાલની જે સ્થિતિ છે તેની જવાબદાર શેરીલ સેન્ડબર્ગ છે. શેરીલ ફેસબુકમાં ચિફ ઓપરેટીંગ ઓફિસર તરીકે કાર્યરત છે. જેને હાલ ફેસબુકની પરિસ્થિતિ અને કંપની ઉપર લાગી રહેલા કલંકનું કારણ માનવામાં આવી રહ્યું છે. ફેસબુકે શેરીલને ઉચ્ચ હોદ્દો આપ્યો અને સંચાલન પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો પણ બનાવ્યો પરંતુ વિશ્ર્વસનીયતાના ભોગે શેરીલે કરેલા ગ્રુપીઝમને કારણે ફેસબુકની આ સ્થિતિ થઈ હોવાનું માલુમ પડયું છે.
જયારે એક સમયે ફેસબુકની સ્થિતિ ખુબજ સારી હતી અને તેના શેરોમાં ખુબજ વધારો આવી રહ્યો હતો ત્યારે સેન્ડબર્ગ અમેરિકાની સૌથી સફળ મહિલા એક્ઝિકયુટીવ રહી હતી. આ વર્ષે સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર પ્રાયવર્સીના પ્રશ્ર્નો અને કંપનીના કેટલાક કૌભાંડો બહાર આવ્યા છે. મોટાભાગના નિર્ણયો અને કંપનીની જવાબદારી સીઈઓ બાદ સેન્ડબર્ગને સોંપવામાં આવી હતી. જેના નિર્ણયોની કચાસને લીધે કંપનીએ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
સેન્ડબર્ગ ફેસબુકમાં પોતાના સ્વાર્થ અને રાજકારણને લઈને હોદ્દેનો ઉપયોગ કરી રહી હતી. તેણે કંપનીમાં એક ગ્રુપની પણ શરૂઆત કરી હતી તો કેટલાક જવાબદાર અધિકારીને કંપનીમાંથી દૂર કરવા પાછળ પણ સેન્ડબર્ગનો હાથ હતો. ૨ મહિના અગાઉ ફેસબુકે તેના અધિકારીઓને બોલાવીને નિર્ણય લીધો હતો કે, પોતાના નીજી વ્યવહારોને નિયંત્રણમાં રાખીને સંસ્થા ઉપર લાગેલા કલંકને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે. કહેવાય છે કે, કોઈપણ સંસ્થાના હાથ-પગ તેના કર્મચારીઓ હોય છે, જો હાથ-પગ નબળા પડે તો સંસ્થાનું માળખુ ભાંગી પડે છે. તેવી જ સ્થિતિ સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકની થઈ છે કે જેના અધિકારીઓએ તેના ઉચ્ચ હોદ્દાનો ગેરઉપયોગ કરવાથી તેમજ અન્ય અધિકારીઓને ભ્રમીત કર્યા હોવાને કારણે ફેસબુક વિશ્ર્વસનીયતા ગુમાવી રહ્યું છે.