મંદિર બનાવવાના પ્રશ્ને ધોકા-પાઇપ વડે તૂટી પડયા: સામ-સામે નોંધાવી ફરીયાદ
શહેરના ભાવનગર રોડ પર આવેલા માધવ વાટીકા-૧ માં હનુમાનજી ડેરી બનાવવા બાબતે બે પરિવાર બાખડતા એક મહીલા સહીત ત્રણ લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મારા મારીના પગલે આજી ડેમ પોલીસ મથકના એ.એસ.આઇ પંકજભાઇ ઘટના સ્થળે દોડી જઇ બન્ને પક્ષની સામ સામે ફરીયાદ નોંધાઇ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર રોડ પાસે માંડાડુંગર નજીક આવેલી માધવ વાટીકામાં મંદિર બનાવવા પ્રશ્ને બે પરિવારોના કુલ આઠ સભ્યો બાખડતા એક મહીલા સહીત કુલ ત્રણ લોકોને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
માધવ વાટીકામાં રહેતા કલ્પેશભાઇ કરણ રજનીકાંત મહેતા (ઉ.વ.ર૦) એ ફરીયાદમાં જણાવ્યા મુજબ સામાપક્ષે હાર્દિક કુમારખાણીયાના ઘર પાસે હનુમાનજીની ડેરી બનાવાનું નકકી હોય અને અંતિમ ક્ષણે હાર્દિક ભાઇએ ના પાડતા કલ્પેશભાઇતથા તેમના પરિવારજનો સમજાવા ગયા ત્યારે હાર્દિકભાઇ તથા વલ્લભભાઇ, જયસુખભાઇ મનસુખભાઇ સહીતના શખ્સોએ લાકડી પાઇપ વડે હુમલો કર્યાનું પોતાની ફરીયાદમાં નોધાવ્યું હતું.
જયારે સામા પક્ષે હાર્દિક ભાઇએ આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદમાં પોતાના ઘર પાસે મંદિર બનાવવા સવાર સુધી રાહ જોવાનું કહેતા ઉશ્કેરાયેલા કલ્પેશભાઇએ જમનાબેનને ગાળુ ભાંડી તમાચો ઝીંકી દેતા તથા કિશન, મનીષ અને ભરતભાઇ સહીતના શખ્સો લાકડા પાઇપ વડે તુટી પડતા ઘવાયેલા જમનાબેન અને હાર્દિકને ઇજા થતાં સારવાર માટે સીવીલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના અંગેની જાણ આજીડેમ પોલીસ મથકમાં નોંધાતા એ.એસ.આઇ. પંકજભાઇ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે બન્ન પક્ષે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.