ત્રણેય રીઢા તસ્કરોનો સુરેન્દ્રનગર પોલીસે કબજો સંભાળ્યો
રાજકોટમાંથી ક્રાઈમ બ્રાંચે આંતરરાજય ઘરફોડી અને વાહન ચોરી કરતી એમપીના ઈન્દોરના ત્રણ શખ્સોની બનેલી ટોળકીને કોઈ ગુના આચરે તે પહેલા જ ઝડપી લીધી હતી. આ ટોળકીએ રાજયભરમાં ૨૭ ગુના આચર્યાની કબુલાત આપી છે. ચોરાઉ વાહન પર જઈ ધોળા દિવસે જ બંધ મકાનોને નિશાન બનાવતી આ ટોળકી પાસેથી પોલીસે રૂ.૨ લાખના સોનાના ચોરાઉ દાગીના, ૮૫ હજાર રોકડા, પાંચ ચોરાઉ વાહનો, પાંચ મોબાઈલ મળી કુલ રૂ.૩.૭૬ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા ત્રણ આરોપીઓના જગદીશચંગા પ્રભુલાલ ઠાકુર (૪૯), પ્રકાશ ઉર્ફે કાળુ દેવીપ્રસાદ કુસવા (૪૨) અને સંજય ઉર્ફે હેમંત રમેશભાઈ ઓલી (૫૦)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ ઈન્દોરમાં રહે છે. તેમનો ચોથો સાગરીત મહેશ રામનિહારી તિવારી હાલ ઈન્દોર જેલની હવા ખાઈ રહ્યો છે.
ક્રાઈમ બ્રાંચના સ્ટાફને મળેલી બાતમીના આધારે પીઆઈ હિતેષ ગઢવી અને પીએસઆઈ મહાવીરસિંહ જાડેજાએ કુવાડવા રોડ પરથી આ ટોળકીને ઝડપી લીધી હતી. પુછપરછમાં આ ટોળકીએ બોટાદ, સુરેન્દ્રનગર, સાયલા, નવસારી અને ભચ વગેરે સ્થળોએ ૨૭ ગુના આચર્યાની કબુલાત આપી હતી.
આ ટોળકીનાં સભ્યો જે શહેરને નિશાન બનાવવાનું હોય તેની આસપાસનાં કોઈ નાના તાલુકાની હોટલ કે ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા. બાદમાં નજીકના વિસ્તારમાંથી વાહનની ચોરી કરી તેની ઉપર જે શહેરને નિશાન બનાવવું હોય ત્યાં પહોંચી જતા હતા. પછીથી બંધ મકાનોમાંથી ચોરી કરતા હતા.
આ ટોળકી રાત્રે ચોરીઓ કરતી ન હતી. ધોળા દિવસે જ હાથ સાફ કરતી હતી. જો ચોરીમાં મોટી મતા હાથ લાગી જાય તો તત્કાળ એમપી જતા રહેતા હતા. જો નાની મતા હોય તો ફરીથી જે ગેસ્ટ કે ધર્મશાળામાં રોકાયા હોય ત્યાં પરત ફરતા હતા. હાલમાં ચોટીલામાં રોકાયા હતા અને શહેરમાં ચોરીઓ કરવાનું નકકી કરી લીધું હતું.
પત્રકાર પરીષદમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, આ ટોળકી માત્ર વીસ જ મિનિટમાં ચોરી કરી સ્થળ પરથી નિકળી તે વિસ્તાર છોડી દેતી હોવાથી પકડાતી ન હતી. આરોપી જગદીશ, સંજય અને મહેશ અગાઉ ૨૦૧૭માં રાજકોટમાં પકડાયા હતા. તે વખતે આણંદ, નડીયાદ, વડોદરાની ૧૦ ઘરફોડી અને વાહન ચોરી કબુલી હતી. ત્યારબાદ આ ટોળકીની પાસાતળે અટકાયત કરવામાં આવી હતી.
પાસામાંથી છુટયા બાદ ફરીથી આ ટોળકીએ રાજયમાં ચોરીઓ શ કરી દીધી હતી. આ ટોળકીનાં સભ્યો એમપીમાં પણ વાહન ચોરી અને ઘરફોડીમાં પકડાયા છે. આ ઉપરાંત દાહોદ, ગોધરા, સુરતમાં પણ પકડાયા હતા. આરોપી સંજયને ખુનની કોશિષના ગુનામાં સજા પડતા અમદાવાદની જેલમાં સજા ભોગવી હતી. જયારે આરોપી જગદીશને લુંટના ગુનામાં સજા પડી હતી.