ડોલર સામે રૂપીયાની મજબુતાઈ અને ક્રુડ બેલરમાં સતત ઘટતા ભાવના કારણે શેરબજારમાં ફરી તેજીનો માહોલ: રોકાણકારોમાં ભારે ખુશાલી
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયામાં છેલ્લા ઘણા દિવસથી જોવા મળેલી મજબુતાઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ બેલરમાં સતત ઘટતા ભાવના કારણે ભારતીય શેરબજારમાં ફરી તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. આજે ઉઘડતા સપ્તાહે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્ષમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અમેરિકી ડોલર સામે રૂપીયો સતત મજબુત બની રહ્યો છે.
આ ઉપરાંત ક્રુડ બેલરના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળતો હોવાના કારણે ભારતીય શેરબજારમાં ફરી તેજી પાછી ફરી છે. આજે ઉઘડતા સપ્તાહે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં જોવા મળ્યા હતા જોકે રોકાણકારોએ નીચા મથાળે ભારે વિશ્વાસ સાથે ખરીદીનો દૌર શરૂ કરતા થોડી જ વારમાં સેન્સેકસ અને નિફટી બંને ગ્રીન ઝોનમાં આવી ગયા હતા. ટ્રેડીંગ સેશન દરમિયાન તેજી વધુ મજબુત બની હતી.
આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાએ તેજીને બળ આપ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ડોલર સામે આજે પણ રૂપીયામાં મજબુતી જોવા મળી હતી. એક તબકકે સેન્સેકસને ૪૦૦થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી.
આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૫૫ કલાકે સેન્સેકસ ૩૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૩૫,૩૪૩ અને નિફટી ૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦,૬૨૪ પોઈન્ટ પર ટ્રેડ કરી રહી છે તો સ્મોલ કેપ ઈન્ડેક્ષમાં ૧૧ પોઈન્ટનો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે મીડકેપ ઈન્ડેક્ષ સામાન્ય ઉછાળા સાથે કામ કરી રહ્યા છે.