છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં પોલીસની ટીમે નવ નક્સલીઓને ઠાર કરી દીધા છે. જોકે આ અથડામણમાં 2 પોલીસ જવાન પણ શહીદ થઈ ગયા છે. રાજ્યમાં નક્સલી વિરોધી અભિયાનમાં વિશેષ પોલીસ મહાનિર્દેશક ડીએમ અવસ્થીએ સોમવારે જણાવ્યું કે, સુક્મા જિલ્લાના કિસ્ટારામ પોલીસ ક્ષેત્રે અંતર્ગત તેલંગાણા સીમા નજીક પોલીસની જોઈન્ટ ટીમે નક્સલ વિરોધી અભિયાન ‘પ્રહાર ચાર’ દરમિયાન નવ નક્સલીઓને ઠાર કરી દીધા છે. આ ઘટનામાં ડીઆરજીના બે જવાન પણ શહીદ થયા છે.
જણાવ્યા પ્રમાણે આ નક્સલીઓ પીએલજીએ એટલે કે નક્સલીઓના ગુરિલ્લા વોર ગ્રૂપના હતા. ડીએમ અવસ્થીએ જણાવ્યું કે, છત્તીસગઢ અને તેલંગાણા સીમા નજીક નક્સલીઓ ગતિવિધિ થતી હોવાની માહિતી મળી હતી.ત્યારપછી રવિવારે સાંજથી સીઆરપીએફ, એસટીએફ અને ડીઆરજીનું સયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનને પ્રહાર ચાર નામ આપવામા આવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, સેનાની ટીમ જ્યારે કિસ્ટારામ વિસ્તારમાં હતા ત્યારે જ નક્સલીઓએ પોલીસ પર ગોળી ચલાવવાની શરૂ કરી દીધી હતી. ત્યારપછી પોલીસે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.