ફલોમીટર ઈનસ્ટોલ કરવા અને બટર ફલાય વાલ્વ બદલવાનું બહાનું આગળ ધરી એક સાથે ૧૧ વોર્ડમાં પાણી કાપ ઝીંકાતા લોકોમાં રોષ
શિયાળાનો આરંભ થઈ ચુકયો છે પરંતુ જોઈએ તેવી ઠંડી પડતી નથી. અપુરતા વરસાદના કારણે જળાશયોમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી. આવામાં શિયાળાની સીઝનમાં જ મહાપાલિકા તંત્રએ ફલોમીટર ઈનસ્ટોલ કરવાની અને બટર ફલાય વાલ્વ બદલાવવાનું બહાનું ઝીંકી એક સાથે શહેરના ૧૧ વોર્ડમાં પાણીકાપ ઝીંકી દેતા દેકારો બોલી ગયો છે. આજે શનિવારે અડધું રાજકોટ મનપાના પાપે તરસે ટળવળી રહ્યું છે.
કોર્પોરેશનની વોટર વર્કસ શાખા દ્વારા સ્કાડા ફેઈસ-૩ અન્વયે હડાળાથી આજી ફિલ્ટર પ્લાન પર આવતી નર્મદા પાઈપલાઈનના હેડ વર્કસ ખાતે કનેકશન પર ફલોમીટર ઈનસ્ટોલ કરવા તથા બટર ફલાય વાલ્વ બદલવાની કામગીરી સબબ તેમજ આજી ડેમ ખાતેના પમ્પીંગ સ્ટેશન પરથી હેડ વર્કસ પર આવતી પાઈપલાઈન પર ફલોમીટર ઈનસ્ટોલ કરવા, હડાળા પમ્પીંગ સ્ટેશનથી આજી ફિલ્ટર પ્લાન્ટ તથા જીડબલ્યુએસએસબીના કોઠારીયા ફિલ્ટર પ્લાન્ટ પર જતી પાઈપલાઈન અને આજી ડેમથી આજી હેડ વર્કસ પર આવતી પાઈપલાઈન પર અંદાજે ૨૪ કલાક માટે શર્ટ ડાઉન લેવામાં આવ્યું હોય આજે શનિવારે મવડી હેડ વર્કસ પરના વોર્ડ નં.૮ (પાર્ટ),૧૧ (પાર્ટ),૧૨ અને ૧૩ (પાર્ટ), વિનોદનગર હેડ વર્કસ પરના વોર્ડ નં.૧૭ (પાર્ટ) અને ૧૮ (પાર્ટ), કોઠારીયા હુડકો હેડ વર્કસ ખાતેના વોર્ડ નં.૧૬ (પાર્ટ) દુધસાગર હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.૬ (પાર્ટ) અને વોર્ડ નં.૧૫ (પાર્ટ) ગ્રીનલેન્ડ હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.૪ (પાર્ટ) અને વોર્ડ નં.૫ (પાર્ટ), તિરૂપતી હેડ વર્કસ, સ્વાતી હેડ વર્કસ, કોઠારીયા ગામતળ હેડ વર્કસ તથા નારાયણનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ રાખવામાંઆવતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. શિયાળાનો અડધા રાજકોટમાં પાણીકાપના કોરડા વિંઝવામાં આવી રહ્યા છે ત્યારે આકરા ઉનાળામાં શું સ્થિતિ થશે તે વિચારીને શહેરીજનોના રૂવાડા ખડા થઈ જાય છે.