શ્રીરંગમ્ મંદિરની ભવ્યતા નિહાળી પ્રભાવિત થતા SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંતો
ભારત એ સંસ્કારની ભૂમિ છે. ભગવાન અને મહાપુરુષોના અવતારથી આ ભારત ભૂમિપાવન થયેલ છે.ભારતના યાત્રા ધામો ઐતિહાસિક સ્થળો, પવિત્ર નદીઓ વગેરે જીવનમાં અનેરી ભાત પાડે છે. દરેક સ્થળોનો આગવો અને અનોખો ઇતિહાસ હોય છે.
દક્ષિણ ભારતના ગગનચૂંબી મંદિરો, ગોપુરો, મંદિરોમાં થતી ઠાકોરજીની આરતિ-પૂજા પદ્ધત્તિ, લોકોના રીતરિવાજો વગેરેના પ્રત્યક્ષ દર્શન તથા તેનો અભ્યાસ થાય તેવા હેતુથી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ કોઠારી ધર્મનંદનદાસજી સ્વામીની આગેવાની નીચે, એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રી તેમજ આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા ૨૦ જેટલા સંતો દક્ષિણ ભારતના ખ્યાતનામ અને ભવ્ય શ્રીરંગમ્ પધારતા ત્યાંના પુજારીએ સંતોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ મંદિર ત્રિચિનાપલ્લી નજીક આવેલ છે. આ મંદિરને સાત પ્રાકારો છે. સાતમાં ઘેરામાં શ્રીરંગ ભગવાનનું વિશાળ મંદિર આવેલ છે. નિજ મંદિરમાં શેષષાયી ભગવાનની વિશાળકાય શ્યામ મૂર્તિ આવેલ છે. બાજૂમાં આચાર્ય રામાનુજ, હનુમાનજી, વિભિષણ, શ્રીદેવી, ભૂદેવીવગેરે મૂર્તિઓ આવેલ છે. મંદિરમાં એક સહસ્ત્ર સ્થંભ મંડપ છે. તેના ૯૬૦ થાંભલા છે.
પાંચમાં ઘેરામા ગરુડ મંડપ છે અને અનેક દેવ-દેવીઓની મૂર્તિઓ આવેલ છે. શિખર ઉપર વાસુદેવ ભગવાનની મૂર્તિ આવેલ છે. મૂર્તિ ઉપર પાંચ ફણાધારી શેષજી છે. બાજુમાં લક્ષ્મીજી બિરાજીત છે. કાવેરી નદીના કાંઠે આવેલ હોવાથી બાજુમા ઘાટમાં લોકો સ્નાન કરે છે. પોષ મહિનાની પુનમે મોટો મેળો ભરાય છે અને ભૂદેવી વગેરે દેવીઓની શોભાયાત્રા નીકળે છે.