વુમન ક્રિકેટમાં પણ રાજકારણ!

ટી-૨૦ વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં પણ મીથાલી રાજ અને કેપ્ટન હરમનપ્રીત વચ્ચે આંતરીક ટકરાવ જોવા મળ્યો હતો

ભારતીય મહિલા ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડકપના સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમની સૌથી સફળ અને વધુ રન બનાવનાર મીથાલી રાજને દૂર કરી દેતા ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી વંચિત રહી હતી. ત્યારે મહિલા ક્રિકેટમાં પણ રાજકારણ થઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની સેમી ફાઈનલમાં ટીમની સૌથી સીનીયર અને સફળ બેટસમેન મીથાલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રખાઈ હતી. હવે સેમીફાઈનલમાં ભારતની હાર થતાં મીથાલીની ગેરહાજરી અંગે કેટલાક વિવાદોએ જોર પકડયું છે.

કેપ્ટન હરમનપ્રીત કૌરે આ અંગે કહ્યું હતું કે, મીથાલીને ટીમમાં ન લેવાનો નિર્ણય ભારતીય ટીમના હિતમાં હતો અને મીથાલીને ન લેવાથી કોઈ અફસોસ નથી. જો કે, મીથાલી અને કેપ્ટન હરમનપ્રીત કૌર વચ્ચે કેટલાક સમયથી આંતરીક મતભેદો અને ટકરાવ ચાલી રહ્યાં હોવાનું માનવામાં આવે છે. કારણ કે, ટી-૨૦ વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં પણ હરમનપ્રીતનો મીથાલી તરફનું વિવાદિત વલણ જોવા મળ્યું હતું. ટોપ ઓર્ડરની ખેલાડી મીથાલીને ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પાંચ વિકેટ પડી ગઈ ત્યાં સુધી બેટીંગમાં ઉતારવામાં આવી ન હતી અને આ મેચમાં હરમનપ્રીતે સદી ફટકારી હતી. કયાંક વુમન ક્રિકેટ ટીમમાં આંતરીક મતભેદો અને રાજકારણ રમાઈ રહ્યું હોવાના પરિણામથી ટીમને વર્લ્ડકપમાંથી બાકાત રહેવાનું પરિણામ મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.