કાલાવડ-રાજકોટ ધોરીમાર્ગ પર સુરસાંગડા ગામની ગોળાઈમાં ગોપાલ નમકીનના કર્મચારીઓને મૂકવા જતી જીપ તથા આ જ ફેકટરીના માલ ભરીને આવતા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સોળ વ્યક્તિને ઈજા થઈ છે. મોટાભાગના ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

કાલાવડથી રાજકોટ જવાના ધોરીમાર્ગ પર અંદાજે પચ્ચીસેક કિ.મી. દૂર આવેલા સુરસાંગડા ગામની હનુમાન મંદિરવાળી ગોળાઈમાંથી આજે સવારે નવેક વાગ્યે રાજકોટ જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન નામના ફરસાણ બનાવતી ફેકટરીમાં કામ પર જતાં કાલાવડના સોળેક જેટલા વ્યક્તિઓને ફેકટરીએ મૂકવા જતી ક્રુઝર જીપ (જીજે-૧૭-ડબલ્યુ ૩૮૮) પસાર થતી હતી ત્યારે સામેથી ગોપાલ નમકીનનો જ ફરસાણનો તૈયાર માલ ભરી જામનગર તરફ આવતો ટ્રક સામસામા અથડાઈ પડતા ટ્રાફિકથી ધમધમી રહેલા રોડ પર માનવ ચીસો ગૂંજી ઉઠી હતી.

બન્ને વાહન ફૂલ સ્પીડમાં જઈ રહ્યા હોય ટ્રકની તોતિંગ ટક્કરથી ક્રુઝર જીપનો રીતસર બૂકડો બોલી ગયો હતો જેના પગલે તેમાં મુસાફરી કરી રહેલા ઈકબાલ આમદભાઈ આદમાણી (ઉ.વ.પર)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ગોપાલ નમકીનમાં વિવિધ વિભાગોમાં નોકરી કરતા મહિલાઓ, યુવાનો મળી કુલ સોળ વ્યક્તિ ઘાયલ થયા હતા. બનાવના સ્થળેથી પસાર થતા લોકોએ તુરંત જ પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ તેમજ પોલીસ કાફલો દોડયા હતા. તેઓના પહોંચવા પહેલા સ્થળ પર હાજર લોકોએ જીપમાં ફસાઈ ગયેલા અને કણસી રહેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો આદર્યા હતા.

ઈજાગ્રસ્તો પૈકીના મોટાભાગના વ્યક્તિઓને રાજકોટ દવાખાને લઈ જવામાં આવ્યા છે. જ્યારે પોલીસે મૃતક ઈકબાલભાઈના મૃતદેહને પી.એમ. માટે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ખસેડયો છે. આ બનાવના પગલે બન્ને તરફથી આવતા વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી જેને પૂર્વવત કરાવવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અકસ્માતની વિધિવત ફરિયાદ નોંધવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.