વિપક્ષી ગઠબંધનમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ!
કોંગ્રેસે તેમની પાર્ટીને ઓછી બેઠકો ઓફર કરી, બસપા એકલા હાથે ચૂંટણી લડશે: માયાવતી
લોકસભા-૨૦૧૯ ની ચુંટણીમાં ભાજપને હટાવવા એક થવાનો દાવો કરીને મહાગંઠનબંધન બનાવનારા કોંગ્રેસ સહીતના વિપક્ષોને એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ છે લોકસભાની ચુંટણીની સેમી ફાઇનલ જેવી ગણાતી મઘ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં ટીકીટ વહેંચણીના મુદ્દે વિપક્ષોમાં ગજગ્રાહ સર્જાયો છે. બસપાના સુપ્રિમો માયાવતીએ મઘ્યપ્રદેશમાં બન્ને પક્ષો વચ્ચે ગઠ્ઠબંધનની વાત નકકી હોવા છતાં ઓછી બેઠકો આપવાની વાત કરીને અન્યાય કર્યાનો આરોપ મુકીને તેમની પાર્ટી એકલા હાથે ચુંટણી લડશે તેમ જણાવ્યું હતું.
મઘ્યપ્રદેશમાં કોંગ્રેસની નબળી પરિસ્થિતિ હોવાથી તેણે બસપા સાથે જોડાણ કરવાની દરખાસ્ત કરી હતી પરંતુ, આ દરખાસ્ત કોંગ્રેસનું એક ષડયંત્ર હતું. કોંગ્રેસ રાજયમાં બસપાને ખતમ કરવા માંગતી હતી તેથી જ ઓછી બેઠકો ફાળવવા માંગતી હતી તેમ જણાવીને માયાવતીઓ દાવો કર્યો હતો કે બસપા પાસે ઉત્તરપ્રદેશ, મઘ્યપ્રદેશ સહીતના અનેક રાજયોમાં મજબુત જનાધાર હોવા છતાં કોંગ્રેસે તેમની પાર્ટીને ઓછી બેઠકો ઓફર કરી હતી.
ભોપાલના ભેલ હુશેશ મેદાન ખાતે એક જાહેરસભાને સંબોધતા માયાવતીએ આ આક્ષેપો કરીને રાજયમાં આ ગઠ્ઠબંધન તુટવા માટે કોંગ્રેસે બસપા પર મુકેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમને કોંગ્રેસે બસપાને કેટલી બેઠકો આપવા માંગે છે તે પણ જણાવ્યું ન હોવાનો દાવો કર્યો હતો. વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા માયાવતીએ જીએસટી અને નોટબંધી યોગ્ય નિર્ણય લીધા વગર લીધેલા પગલા ગણાવીને તેમનાથી લોકોનો પારાવાર મુશ્કેલીઓ પડયાનું જણાવ્યું હતું.
કેન્દ્રની ખરાબ આર્થિક નીતીના કારણે દેશના ગરીબી, બેરોજગારી અને ફુગાવાના વધારો થયાનો દાવો કરીને માયાવતીએ પેટ્રોલીયમ પેદાશોમાં થતા બેફામ ભાવ વધારા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ ગરીબોને અવગણી મુડીવાદીઓ માટે લાભકારક નિર્ણયો લીધાના આક્ષેપો કર્યો હતો. તેમને જાતિવાદી માનસિકતા ધરાવતા પક્ષો ડો. આંબેડકરે પછાતોના ઉત્કર્ષ માટે આપેલા અનામતને દુર કરવાની આકરી ઝાકટણી કાઢી હતી.
બસપા વિના સપા કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે: અખિલેશ
મઘ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં બસપાએ કોંગ્રેસ સાથે ગઠ્ઠબંધન તોડી નાખવાની જાહેરાત કરી છે. જયારે સામ્યવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ જો કોંગ્રેસ બસપા સાથે ગઠ્ઠબંધન નહી કરે તો કેમની પાર્ટી પણ કોંગ્રેસ સાથે જોડાશે નહી તેમને કોંગ્રેસની ટીકા કરતા જણાવ્યું હતું કે તેની નીતીઓ લાભ ભાજપના ઉદય માટે જવાબદાર છે. જો વિપક્ષી ગઠ્ઠબંધન થાય તો કોંગ્રેસ ૨૩૦ માંથી ૨૦૦ બેઠકો જીતી શકશે તેવો દાવો કર્યો હતો.
કોંગ્રેસ અમને કોઇ મહત્વ આપતી નથી તેથી મઘ્યપ્રદેશની ચુંટણીઓમાં બસપા અને સપા જેવા પક્ષોને ખુબ જ ઓછી બેઠકો ફાળવવાનો નિર્ણય કર્યો હતો. તેમ અખિલેશે એક પત્રકાર પરિષદમાં જણાવીને ઉત્તર પ્રદેશમાં તેમનું બસપા સાથે જોડાણ ચાલુ રહેશે અને આગામી લોકસભાની ચુંટણીમાં ભાજપને હટાવીને લોકસભામાં ૮૦ સાંસદો મોકલશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં બસપાએ કોંગ્રેસના બાગી નેતા અજીત જોગી સાથે ગઠ્ઠબંધન કરતા ત્યાં કોંગ્રેસ સાથેનું તેનું ગઠ્ઠબંધન પડી ભાગ્યું હતું. જેથી સીધી અસર મઘ્યપ્રદેશની ચુંટણીઓમાં પણ પડી હતી અને કોંગ્રેસ આજે બસપા વચ્ચે વધુ બેઠકો ફાળવવાના મુદ્દે ખેંચાતાણ થઇ હતી. જે બાદ માયાવતીએ રાજયમાં એકલા હાથે ચુંટણી લડવાની જાહેરાત કરતા મઘ્યપ્રદેશમાં વિપક્ષી ગઠ્ઠબંધન તુટી ગયું હતું.