કોર્પોરેશનના ૪૬માં સ્થાપના દિનની જાજરમાન ઉજવણી રાજકોટવાસીઓ મોડીરાત સુધી માણી સંગીત સંઘ્યા
કોર્પોરેશનમાં ૪૬માં સ્થાપના દિનની ઉજવણીના અવસરે ગઈકાલે રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ સ્થિત કવિશ્રી રમેશભાઈ પારેખ ઓપન એર થિયેટર ખાતે બોલીવુડની સુપ્રસિઘ્ધ પ્લેબેક સીંગર ઐશ્વર્યા મજમુદારની સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઐશ્વર્યાએ રાજકોટવાસીઓને મોડીરાત સુધી મન મુકીને ડોલાવ્યા હતા.મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંગીત સંઘ્યાના કાર્યક્રમનું સાંસદ મોહનભાઈ કુંડારીયાએ દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકયો હતો. આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઉપસ્થિત મહાનુભાવો અને શહેરીજનોનું સ્વાગત કરી રાજકોટનો ભવ્ય ઈતિહાસ વાગોળ્યો હતો. છેલ્લા ૪૫ વર્ષ દરમિયાન રાજકોટ કરેલા વિકાસ અંગે પણ તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી. કોર્પોરેશનના પ્રથમ બોર્ડમાં ચુંટાયેલા કોર્પોરેટરોને સહ પરીવાર સંગીત સંઘ્યા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
બોલીવુડની ખ્યાતનામ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદારે એકથી એક ચઢીયાતા અને યાદગાર ગીતો લલકારી રાજકોટવાસીઓને મોડીરાત સુધી ડોલાવ્યા હતા. શહેરીજનોએ પણ મહાપાલિકાના સ્થાપના દિનની ઉજવણીમાં હોંશભેર સામેલ થયા હતા.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મેયર જનકભાઈ કોટક, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડીયા, રાજકોટ કોમોડીટી એકસચેન્જના ચેરમેન રાજુભાઈ પોબારૂ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.