હવે મિત્ર મંડળ અને કોન્ટ્રાક્ટના સફાઈ કામદારોનું પણ સન્માન થશે : મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીની નવી ઉત્સાહવર્ધક ઘોષણા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને સાફ્સુથરૂ રાખવા હાથ ધરવામાં આવી રહેલી કામગીરીમાં ” સ્વચ્છ ભારત મિશન ” હેઠળ વિવિધ અવનવા આયામ ઉમેરવામાં આવી રહયા છે તે અંતર્ગત વખતોવખત ખાસ સઘન સફાઈ ઝુંબેશ, સામાજિક ભાગીદારી સાથે જાહેર સ્થળોની સફાઈ ઝુંબેશ, કચરાનું વર્ગીકરણ, કચરામાંથી ખાતર અને ઉર્જાનું ઉત્પાદન, તેમજએક નવી પહેલ રૂપે શહેરના શ્રેષ્ઠ સફાઈ કામદારોનું જાહેર સન્માન કરવાનું પણ શરૂ કરવામાં આવેલ છે. વિશેષમાં, કેન્દ્ર સરકારશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોના જાહેર સન્માન કરવા માટે જે નવી પહેલ હાથ ધરવામાં આવેલ છે તેની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવતા મહાનગરપાલિકાનાં ઉત્સાહમાં પ્રેરક વધારો થયો છે. માત્ર એટલું જ નહી પરંતુ કેંન્દ્ર સરકારશ્રીએ દેશની અન્ય મહાનગરપાલિકાઓને પણ રાજકોટ મહાનગરપાલિકાની પહેલને અનુસરવાનો અનુરોધ કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારશ્રીનાં આ પ્રેરક અભિગમ બદલ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ કેન્દ્ર સરકારશ્રી પ્રત્યે આભારની લાગણી પણ વ્યકત કરી છે.
આ સંદર્ભમાં વાત કરતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે “વર્લ્ડ ટોઇલેટ ડે” મનાવવામાં આવી રહયો છે. જે સ્વાભાવિકરીતે સ્વચ્છતા બાબતમાં જાગૃત થવાનો સંદેશ વિશ્વ સ્તરે પ્રસરાવે છે. કોઈપણ શહેર અને ગામમાં જાહેર સ્વચ્છતાની બાબતમાં જેઓનું સૌથી અમૂલ્ય યોગદાન રહયું છે તે સફાઈ કામદારો પ્રત્યે ઋણ સ્વીકારવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરના તમામ સફાઈ કામદારો પ્રત્યે હ્રદયપૂર્વક ઋણ સ્વીકારી તેઓનો આભાર વ્યક્ત કરે છે.
મ્યુનિ. કમિશનરશ્રીએ આ અવસરે એક વિશેષ જાહેરાત કરતા એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાં વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર સફાઈ કામદારોની તસવીર અને નામ સહિતની વિગતો પ્રસિધ્ધ કરી તેઓનું જાહેર સન્માન કરવાની પહેલ કરતા સફાઈ કામદારોના ઉત્સાહમાં સારો એવો વધારો થયો છે. આ સમગ્ર બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે શહેરમાં સફાઈ કામગીરીમાં યોગદાન આપી રહેલા મિત્ર મંડળોના સફાઈ કામદારો અને કોન્ટ્રાક્ટ બેઇઝ પર સફાઈ કામ કરતા સફાઈ કામદારોને પણ આ નવી પહેલ હેઠળ આવરી લઇ તેઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને તેઓ પૈકીનાં શ્રેષ્ઠ સફાઈ કામદારોને પણ આવી જ રીતે સન્માનિત કરવામાં આવશે. તેઓના ફોટા અને નામ સહિતની વિગતો શહેરમાં એલ.ઈ.ડી. સ્ક્રીન પર પ્રકાશિત કરવામાં આવશે.