તારીખ 31મી ઑક્ટોબર ઑક્ટોબર 1984. સરદાર વલ્લભભાઈ પટેલની 110મી જન્મજયંતિ. આજે જેવી છે એવી જ સરકારી જાહેર રજા ત્યારે પણ હતી.બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી થોડા ઘરોમાં પહોંચ્યા હતા અને 1982ના એશિયાડ રમતોત્સવને તેમજ ડ્યુટી ફ્રી ઇમ્પૉર્ટને પગલે એથીય ઓછા ઘરોમાં રંગીન ટીવી પહોંચી ગયા હતા.
1983ના ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા પ્રૂડેન્શિયલ વર્લ્ડ કપ પછી શરૂ થયેલી કેટલીક ધારાવહી શ્રેણીઓ, શુક્રવારની રાત્રે રજૂ થતા હિન્દી ફિલ્મી ગીતો (ચિત્રહાર) અને રવિવારની સાંજે રજૂ થતી હિન્દી ફિલ્મનું મફતિયા મનોરંજન હતું.એ સિવાય ટીવીનો ભાગ્યે જ કોઈ ખપ પડતો હતો. પરંતુ બુધવારની બપોરથી સાંજ સુધીમાં અનેક ઘરોના ટીવીની સ્વીચ ઑન થવા લાગી.
સારંગી પર શોકના સૂરો રેલાવવા સાથે શરૂ થયેલું દિલ્હી દૂરદર્શનનું ખાસ પ્રસારણ શનિવાર ત્રીજી નવેમ્બરની સાંજે વિરામ પામ્યું. કારણ…તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા.અભિનેતા-દિગ્દર્શક તેમજ બ્રિટીશ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મકાર તરીકે જાણીતા રશિયન પીટર ઉસ્તીનોવને 1 સફદરગંજ રોડના સત્તાવાર નિવાસસ્થાનથી 1 અકબર રોડ સ્થિત ઑફિસે મુલાકાત આપવાં આગળ વધી રહેલાં ઇંદિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકો દ્વારા સંખ્યાબંધ ગોળીઓ છોડીને હત્યા કરવામાં આવી હતી – પૉઇન્ટ બ્લૅન્ક રૅન્જથી.
ફરજ પરની ઇન્ડૉ-તિબેટન બૉર્ડર પોલીસે એ પછી ત્રણ વ્યક્તિઓને કવર-અપ કર્યા. ઘાયલ થયેલાં ઇંદિરા ગાંધી અને તેમને ઠાર કરનારા બે ગનમેન બિઅંત સિંઘ અને સતવંત સિંઘ.એમ્બ્યુલન્સની ગેરહાજરીમાં તાત્કાલિક સારવાર માટે એમ્બેસેડર કારની પાછલી સીટમાં સુવાડીને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીઝ ખાતે લઈ જવાયેલા દેશના એકમાત્ર અને પ્રથમ મહિલા વડાંપ્રધાનનાં અવસાનના સમાચાર મોડી સાંજે દેશને આપવામાં આવ્યા હતા.