શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા મહાઆરતી બાદ કઢી-ખીચડી, ગુંદી-ગાંઠીયાનો પ્રસાદ
‘દેને કો ટુકડો ભલો લેને કો હરીનામ’
રઘુવંશી પરીવાર દ્વારા તા.૧૪/૧૧/૨૦૧૮ના રોજ બુધવારે જાગનાથ મંદિર ચોક ખાતે જલારામ જયંતિની ભવ્ય રીતે ઉજવણી થશે. ‘દેને કો ટુકડો ભલો લેને કો હરીનામ’એ જલારામ બાપાના સુત્રને સાર્થક કરવા માટે રઘુવંશી પરીવાર દ્વારા મહાપ્રસાદનું જાગનાથ મંદિર ચોક ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે માટે રાજકોટ રઘુવંશી પરીવારના કાર્યકરો ભાઈઓ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, રઘુવંશી પરીવાર દ્વારા સતત આ ચોથા વર્ષે જલારામ જયંતિનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મહાપ્રસાદમાં ખીચડી, કઢી, શાક, ગાંઠીયા, ગુંદી, સંભારો આપવામાં આવે છે. ભાવિકોને પૂર્ણ પ્રસાદ મળી રહે તે માટે રઘુવંશી પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
રઘુવંશી પરીવાર દ્વારા જલારામ બાપાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સાંજે ૭:૩૦ કલાકે રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા આરતી કરવામાં આવશે અને જલારામ બાપાની ઝુંપડી બનાવી બાળક જલારામ દ્વારા રોટલો અને માખણની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી જાગનાથ મંદિર ચોકમાં કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે. વધારે માહિતી માટે રઘુવંશી પરીવાર કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.