ભોજનાલય ચાલુ કરવા, શેષ ચોરી અટકાવવા ચોકીની સ્થાપ્ના, ખેડૂતોને અકસ્માત વિમાની રકમ વધારવા સહિતના મુદ્દે રજૂઆત
જામજોધપુર માર્કેટીંગ યાર્ડ મુકામે પ્રથમ મળેલ ખાસ સામાન્ય સભામાં માર્કેટીંગ યાર્ડના ચૂંટાયેલ વિરોધ પક્ષના ડિરેકટર હેમંતભાઈ ખવા દ્વારા લોકોના પ્રશ્ર્નોની આક્રમક રજૂઆત કરેલ. જેમાં હાલ માર્કેટીંગ યાર્ડ મુકામે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય છેલ્લા ઘણા સમયથી માર્કેટીંગ યાર્ડનું ભોજનાલય બંધ હોય ખેડૂતોની સુખાકારી માટે આ ભોજનાલય ચાલુ કરવા તેમજ જામજોધપુર તાલુકાની છેવાડાની હદમાં માર્કેટીંગ યાર્ડ દ્વારા શેષ આવક માટેની કાયમી ચોકીની સ્થાપના કરી જામજોધપુરમાં કર્મચારીની નિમણૂંક કરી શેષ ચોરી અટકાવવાના તમામ પ્રયાસો કરવા, દાળમાં યાર્ડની આવક મુજબ ઘટતા કર્મચારીની તુરંત નિમણૂંક કરવા, માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોને અકસ્માતનો વિમો એક લાખ મળે છે. રકમ વધારી તે પાંચ લાખ કરવી તેમજ યાર્ડમાં જમીન લેબ ગ્રેડીંગ મશીન તેમજ અન્ય સુવિધાસભર મશીનરી બંધ હાલતમાં છે તે તાત્કાલીક ચાલુ કરવા જેવી રજૂઆતો વિરોધ પક્ષના હેમતભાઈ ખવાએ કરી હતી.
જેના જવાબમાં સત્તાધારી પક્ષના પ્રમુખ દ્વારા શેષ ચોરી અટકાવવા સમીતીની રચના કરેલ જેમાં વિરોધ પક્ષના ડિરેકટર હેમંતભાઈ ખવા તેમજ સત્તાધારી પક્ષના ડિરેકટર રાજુભાઈ કાલરિયાને સમીતીમાં સમાવેશ કરી શેષ ચોરી અટકાવવા આગામી જનરલ બોર્ડમાં શું શું પગલા લેવામાં આવશે ? કઈ રીતે તે નકકી કરવામાં આવશે ? તેમજ ભોજનાલય જે બંધ હાલતમાં છે તે અંગે આગામી આઠ દિવસમાં તાત્કાલીક ધોરણે ચાલુ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.
ખેડૂતોને અકસ્માતમાં મળતી સહાય એક લાખથી વધારી પાંચ લાખની કરવાની માંગણી અંગે માર્કેટીંગ યાર્ડની આવક-જાવક અંગેનો સર્વે કરી આ અંગેનો નિર્ણય લેવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.