શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં કરાયો ઠરાવ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગઈકાલે કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં અલગ-અલગ ચાર ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. રાજકોટમાં કોંગ્રેસને મજબુત કરવા માટે હવે દર મહિને વોર્ડ વાઈઝ તથા કોર્પોરેટરની કારોબારી બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કારોબારી બેઠકમાં પ્રમુખ સ્થાનેથી મહેશ રાજપુતે શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સ્વ.મનોહરસિંહજી જાડેજા તથા પૂર્વ કોર્પોરેટર સ્વ.પ્રફુલભાઈ કકકડને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં બે મિનિટનું મૌન પાળી મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. બીજો ઠરાવ પ્રદેશ મહામંત્રી ડો.હેમાંગભાઈ વસાવડાએ મુકયો હતો જેમાં તમામ વોર્ડમાં દર મહિને વોર્ડની કારોબારી મીટીંગ બોલાવી અને તેનો અહેવાલ પ્રમુખને આપવા, ત્રીજો ઠરાવ કોંગ્રેસ અગ્રણી પ્રદિપ ત્રિવેદીએ રજુ કર્યો હતો જેમાં તમામ ફ્રન્ટ/ સેલના ઓર્ગેનાઈઝેશનની દર મહિને કારોબારી મીટીંગ બોલાવી તથા તેનો અહેવાલ પ્રમુખને આપવા જયારે ચોથો ઠરાવ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જશંવતસિંહ ભટ્ટીએ રજુ કર્યો હતો જેમાં કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટરોની મીટીંગ દર મહિને વિરોધ પક્ષના નેતા, દંડકે વિરોધ પક્ષના કાર્યાલયે શહેર કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને બોલાવવાનો ઠરાવ રજુ કર્યો હતો જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે.