પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની સોપારી વણઝારાએ આપી હોવાની જુબાની ગેંગસ્ટર આઝમ ખાને કોર્ટમાં આપ્યા બાદ અનેક તર્કવિતર્ક
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની હત્યા કેસ ઉપરનો ભેદી પડદો ધીમે ધીમે ઉઠતો જાય છે. આ કેસનો વિવાદ અનેકને સાંકળી રહ્યો છે. ત્યારે સોહરાબુદ્દીન શેખના કથીત ફેક એન્કાઉન્ટર મામલાના સાક્ષી ગેંગસ્ટર આઝમ ખાને કોર્ટમાં કહ્યું હતું કે, ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારાએ ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની સોપારી આપી હતી. આઝમ ખાનના નિવેદન બાદ હરેન પંડયાની હત્યા પાછળ મોટા રાજકીય નેતાની સંડોવણી હોવાની શકયતા સેવાઈ રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩માં અમદાવાદના લો ગાર્ડન નજીક હરેન પંડયાની હત્યા થઈ હતી. ૨૦૦૨ના કોમી રમખાણોનો બદલો લેવા આ હત્યા કરવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું. અલબત બદલો લેવાનું બહાનુ આગળ ધરી રાજકીય કાસળ કાઢવામાં આવ્યું હોવાની શકયતા પણ કેટલાક લોકો સેવી રહ્યાં છે.
હરેન પંડયા તે સમયે ખૂબજ લોકપ્રિય અને મોટા રાજકીય નેતા હતા. તેમની હત્યા બાદ પત્ની જાગૃતિબેન અને પિતા વિષ્ણુભાઈએ ભેદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો પણ રાજકારણના લોખંડી પંજાના કારણે હજૂ સુધી હત્યા પાછળનું સત્ય બહાર આવી શકયું નથી.
મુંબઈની ખાસ અદાલત સમક્ષ આઝમ ખાને જુબાની આપતા કહ્યું હતું કે, સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતી સહયોગી હતી. હરેન પંડયાની હત્યાની સોપારીની વાત ખુદ સોહરાબુદ્દીને કરી હતી. તેણે વધુમાં કહ્યું કે, આ વાત સાંભળી મને દુ:ખ થયું હતું અને મેં સોહરાબુદ્દીનને કહ્યું હતું કે, તમે સારા વ્યક્તિની હત્યા કરી છે, ત્યારે સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે, હત્યાની સોપારી વણઝારાએ આપી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે, હું સોહરાબુદ્દીનને ૨૦૦૨માં મળ્યો હતો, મારી મુલાકાત કોન્ટ્રાકટ કીલર જુબેરના માધ્યમથી થઈ હતી, તે સમયે મેં સોહરાબુદ્દીન અને કૌશર બીના લગ્ન માટે ગોઠવણ કરી હતી.
સોહરાબુદ્દીન શેખના કથીત ફેક એન્કાઉન્ટર મામલાના સાક્ષી આઝમ ખાને નિવેદન આપ્યું કે, ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારાએ પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની સોપારી આપી હતી. તેમની હત્યા બાદ એન્કાઉન્ટર સહિતની ઘટનાઓ થઈ હતી. ત્યારબાદ આ મામલો રાજકીય ગરમી પકડી ચૂકયો હતો. જો કે હરેન પંડયાની હત્યામાં પણ ગુજરાતના મોટા રાજકારણીઓનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.