રામ મંદિર નિર્માણ માટે દેશના ૫૦૦ જિલ્લાઓમાં સંતોનું અભિયાન
ચાલશે: ખરડો ઘડવા હવે ભાજપના મંત્રીઓની પણ તરફેણ
લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ગરમી પકડી ચૂકયો છે. ભારતીય જનતા પક્ષે રામ મંદિરનો મુદ્દો ચૂંટણીમાં લાવવાની તૈયારી કરી છે. બીજી તરફ સંઘ અને સંતો પણ રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર પર ખરડો બનાવવા દબાણ લાવી રહ્યાં છે. ત્યારે આગામી તા.૨૫ નવેમ્બરથી સંતો દેશના ૫૦૦ જિલ્લાઓમાં અયોધ્યામાં રામ મંદિર મુદ્દે લોકોનો ટેકો મેળવવાનું મહાઅભિયાન હાથ ધરવાના છે.
જે મંદિર નિર્માણ તરફનું મહાપ્રયાણ બની જશે તેવી ધારણા છે. મોદી સરકાર ટૂંક સમયમાં રામ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવી માર્ગ મોકળો કરે તેવી માંગ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ અગાઉ પણ કરી ચૂકયું છે ત્યારે તાજેતરમાં અખીલ ભારતીય સંત સમીતીએ પણ સરકારને રામ મંદિર નિર્માણ માટે કાયદો ઘડવા ધર્માદેશ કર્યો છે.
સંતોનો મત છે કે, રામ મંદિર નિર્માણ માટે ખુબજ સમય લાગ્યો હોવાથી નિરાશા છે. પરંતુ અત્યારની કેન્દ્ર સરકાર સામાજીક વિવાદો અને હિન્દુ સમાજ માટે યોગ્ય કાર્ય કરી રહી છે. અયોધ્યામાં રામ મંદિરનું જલ્દી નિર્માણ થાય તેવા પગલા સરકાર લે તેવી સંતોની ઈચ્છા છે.
બીજી તરફ સંતોની સાથે ભાજપના મંત્રીઓ પણ રામ મંદિર માટે ખરડો લાવવાની તરફેણમાં જોવા મળે છે. વડી અદાલતમાં ઘણા વર્ષોથી રામ મંદિરનો મુદ્દો પેન્ડીંગ હોવાથી હવે કાયદાકીય વિકલ્પો વિચારવા રહ્યાં. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અને ગીરીરાજસિંઘે પણ રામ મંદિર જલ્દી બનાવવાનો મત વ્યકત કર્યો છે.
ભાજપના મંત્રીઓ પણ હવે રામ મંદિર નિર્માણ માટે ઉતાવળ કરતા હોવાથી આગામી સમયમાં ભાજપે ઉપાડેલો મંદિરનો મુદ્દો દેશમાં મતદારો ઉપર શું અસર કરશે તે જોવાનું રહ્યું. જો કે, મંદિર બાદ મોદી સરકાર વિકાસનો મુદ્દો જ મુખ્ય સ્થાને રાખશે તેવું પણ જાણકારોનું માનવું છે.
મોદી સરકાર મંદિરની સાથો સાથ વિકાસના મુદ્દા આગળ ધરી લોકો પાસેથી મત માંગશે. પોતાના શાસનમાં આર્થિક સધ્ધરતા અને ખેડૂતોના કલ્યાણ માટે લીધેલા પગલાને પણ મોદી સરકાર લોકો સમક્ષ મુકશે. ઉદ્યોગોને બુસ્ટર ડોઝ આપવા માટે જાહેર કરાયેલી યોજનાઓને પણ સરકાર લોકો સમક્ષ મુકશે.