ખેડૂતોની દિવાળી બગડી: સીએમ સાથે બેઠક ગોઠવવા રાજકોટ એપીએમસીની માગ: સૌરાષ્ટ્રના
તમામ યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, હોદ્દેદારો રહ્યાં હાજર: કાલથી દિવાળી વેકેશન
આ વર્ષથી સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે ભાવાંતર યોજના લાગુ કરવાની માગ સાથે સૌરાષ્ટ્ર વેપારી એપીએમસી હડતાળ પર ઉતર્યા છે. હડતાલનો આજે ત્રીજો દિવસ હોવા છતા સરકારે આ મુદે યાર્ડમાં હોદેદારો સાથે કોઈ વાતચીત કે વાટાઘાટો કર્યા નથી. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હોય ત્યારે કાલથી તમામ માર્કેટીંગ યાર્ડમાં સતાવાર રજા પડી રહી છે.
એટલે કે એક અઠવાડીયા સુધી રજા હોવાથી હડતાલ ચાલુ રહી શકશે નહિ જોકે લાભપાંચમથી હડતાળ ફરી શરૂ કરવી કે સમેટી લેવી તે મુદે તેમજ સરકાર ભાવાંતર યોજના ખેડૂતોના હિતમાં લાગૂ કરે તેમાટે વેપારીઓના સરકાર સામેના આગામી કાર્યક્રમો માટેની રણનીતિ ઘડવા રાજકોટ નજીક બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે આજે સૌરાષ્ટ્રની તમામ યાર્ડના ચેરમેન વાઈસ ચેરમેન, હોદેદારો અને વેપારીઓની ખાસ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર હતી.
આ બેઠકમાં વેપારીઓએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજવાની માંગણી કરી છે. તેમજ દિવાળીની રજાઓ ખુલતા લાભ પાંચમથી પણ હડતાલ યથાવત રાખવા નિર્ણય કર્યો છે. રાજકોટ એપીએમસીના ચેરમેન અતુલ કામાણીના જણાવ્યા પ્રમાણે સીએમ સાથે એકવાર બેઠક યોજાયા બાદ આ અંગે યોગ્ય નિર્ણય લેવાશે. ભાવાંતર યોજના લાગુ કરવાની માગથી ખેડૂતોની દિવાળી બગડી છે અને સરકારના ગજગ્રાહને કારણે મુશ્કેલી વધી છે.
સરકાર દ્વારા પ્રતિ વર્ષ ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં અનેક ભ્રષ્ટાચાર અને ત્રુટિઓ સર્જાય છે. એટલે કે સરેરાશ આ નુકશાન જગતનો તાત એવા ખેડૂતોને શીરે આવે છે. ખરીદીમાં આ તમામ પ્રકારની સમસ્યાઓ અટકે તે માટે સૌરાષ્ટ્ર એપીએમસી એ સરકારને ભાવાંતર યોજના લાગુ કરવા છેલ્લા એકાદ મહિના પૂર્વે રજૂઆત કરી હતી. પરંતુ સરકારે કોઈ નિર્ણય નહિ લેતા સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીએ એકત્રિત થઈ ગત ૧ લી નવેમ્બરથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડો બંધ રાખી લડત ચલાવી છે. આ હડતાલમાં સૌરાષ્ટ્રના ધોરાજી, જેતપૂર, ઉપલેટા, ગોંડલ, અમરેલી, સાવરકુંડલા, જૂનાગઢ સહિતના યાર્ડો જોડાયા છે. હડતાલના બીજા દિવસથી ઉતર ગુજરાતના તમામ માર્કેટીંગ યાર્ડએ પણ ખેડુતોના હિતમાં ચાલી રહેલી લડાઈમાં ટેકો આપ્યો છે.
આ ઉપરાંત કાલથી તમામ યાર્ડમાં દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે. ત્યારે ત્રણ દિવસ બાદ હડતાલ પુરી થાય છે. તેમ છતા નવા વર્ષે લાભપાંચમથી તમામ યાર્ડોમાં ખરીદી શરૂ કરવી કે હડતાલને સમેટી લેવી તે મુદે અને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવા આજે બેડી યાર્ડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્રની તમામ યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, હોદેદારો અને વેપારી અગ્રણીઓ હાજર રહ્યાં હતા.
સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીનાં જણાવ્યા મુજબ જો ભાવાંતર યોજના લાગુ થશે તો ખેડુતોને પોષણક્ષમ ભાવો મળશે, સૌરાષ્ટ્રના જે યાર્ડો આર્થિક રીતે નબળા છે તે સધ્ધર થશે.
ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, ગોડાઉન સળગવા, ભેળસેળ વગેરેમાંથી મુકિત મળશે. આ ઉપરાંત ખેડુત પોતાની જે ઉપજ વેપારીને વહેચશે તેનું પાકુ બીલ માગશે જેથી કોઈ વેપારી કંઈ પણ છુપાવી શકશે નહિ, આમ, ભાવાંતર યોજના એ ખેડુતો અને વેપારીઓના હિતમાં જ હોય તે માટે હડતાલ ચાલી રહી છે.
સરકાર તાત્કાલિક નિર્ણય ન લઈ શકે: ડી.કે.સખીયા
મગફળી ખરીદીમાં સરકાર ભાવાંતર યોજના લાગુ કરે તેવી માંગ સાથે ચાલી રહેલી યાર્ડ બંધની હડતાલને પગલે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ આપેલા નિવેદન મુજબ આ અંગે સરકાર તાત્કાલીક નિર્ણય લઈ શકે નહીં. સચોટ અભ્યાસ બાદ જ યોગ્ય નિર્ણય લઈ શકાય. લાભ પાંચમ પછી માર્કેટીંગ યાર્ડ ચાલુ રાખવા ડી.કે.સખીયાએ દાવો કર્યો છે.