છેલ્લે ચાર ટ્રેડીંગ સેશનમાં રોકાણકારોની વેલ્થમાં રૂ.૪ લાખ કરોડનો વધારો: રૂપિયો ટનાટન ૧૦૦ પૈસા વધ્યો
વડાપ્રધાન મોદીએ અર્થતંત્રની તંદુરસ્તી માટે જાહેર કરેલા વિકાસ પેકેજ અને અમેરિકાએ પ્રતિબંધોમાં ઈરાનથી ક્રુડની ખરીદી માટે ભારતને આપેલી રાહતને શેરબજારે વધાવી લીધા છે. શેરબજારમાં છેલ્લા ચાર ટ્રેડીંગ સેશનમાં રોકાણકારોને અંદાજીત રૂ.૪ લાખ કરોડની આવક થઈ છે. ગઈકાલે જ ટ્રેડીંગ સત્ર દરમિયાન બીએસઈમાં લીસ્ટ થયેલી કંપનીઓની મુડીરૂ.૧.૪૦ લાખ કરોડથી વધીને ૧.૭૨ લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી.
ગઈકાલે સેન્સેકસ ૩૫૦૧૧ની સપાટીને આંબી ગયો હતો. બજાર ૫૮૦ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યું હતું. ગત મહિનાના ત્રીજા સપ્તાહમાં બજારમાં મંદીનો માહોલ જણાયા બાદ નવેમ્બરની શરૂઆતમાં બજાર ટનાટન જઈ રહ્યું છે.
ગઈકાલે રૂપિયાની તંદુરસ્તી પણ સારી જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો ૧૦૦ પૈસા સુધી ઉછળ્યો હતો. છેલ્લા બે દિવસમાં રૂપિયો ડોલર સામે ૧૫૦ પૈસા જેટલો મજબૂત બન્યો છે. બીજી તરફ ક્રુડના ભાવ પણ આંતરરાષ્ટ્રીયસ્તરે નરમ પડયા છે. ક્રુડના ભાવમાં બેરલ દીઠ ૩.૪૮ ટકાનો ઘટાડો નોંધાયો છે જે ૭ મહિનાની નીચલી સપાટીએ ગણી શકાય.
ગઈકાલે અમેરિકાએ ઈરાનીયન ઓઈલની ખરીદીમાં મુકેલા પ્રતિબંધો મામલે ભારત સહિતના ૮ દેશોને છૂટછાટ આપી હતી. પરિણામે અર્થતંત્રમાં સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે. ભારત ઈરાન પાસેથી ઓઈલ ખરીદનાર બીજા નંબરનો સૌથી મોટો દેશ છે.
દર મહિને ભારત ૧.૨૫ મીલીયન ટન ઈરાનીયન ઓઈલની ખરીદી કરે છે. ભારતમાં આયાત થતા ક્રુડમાં ઈરાનનો ફાળો ખુબ મોટો છે. અમેરિકા ઈરાન ઉપર ઓઈલ મામલે પ્રતિબંધો મુકશે અને તેના માઠા પરિણામ ભોગવવા પડશે તેવી દહેશતે બજાર થોડા સમય પહેલા અફરા-તફરીમાં હતુ પરંતુ અમેરિકા તરફની રાહતના કારણે ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે અને શેરબજાર પણ ત્તેજીમાં ચાલ્યું છે. આગામી દિવસોમાં પણ બજારની ગતિ બરકરાર રહેશે તેવી અપેક્ષા છે.
બીજી તરફ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલનો જથ્થો અવિરત ચાલુ રહેવાના સંજોગોના પરિણામે ભારતમાં ઈંધણના ભાવમાં લોકોને રાહત મળશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હવે ભારત પાસે ક્રુડ ખરીદવા માટે વધુ એક વિકલ્પ ખુલ્લો રહ્યો છે. ઉપરાંત ઈરાન પાસેથી ભારતને અન્ય દેશ કરતા સસ્તાદરે ક્રુડ મળે છે જેની સરેરાશ અસર ભારતમાં ઈંધણના ભાવને થશે.