જૂનાગઢ એસીબીએ બે નિવૃત અધિકારી સહિત ૧૩ સામે ગુનો નોંધ્યો
જમીન વિકાસ નિગમ લીમીટેડની ગાંધીનગર ખાતેથી લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા પાડવામાં આવેલા દરોડાને પગલે રાજયભરમાં ખેત તલાવળીના કામોમાં ગેરરીતિ આચર્યાની ઉઠેલી ફરિયાદને પગલે જુનાગઢ એસીબી દ્વારા મેંદરડા તાલુકાના પાંચ ગામોમાં થયેલી તપાસના અંતે ચોપડા પર ૩૦ ખેત તલાવળી દેખાતી અને રૂ.૨૧.૮૩ લાખ ચુકવી દીધાનું ખુલતા જુનાગઢ જમીન વિકાસ નિગમનાં ત્રણ અધિકારી સહિત ૮ શખ્સો સામે તપાસનો ધમધમાટ આદર્યો છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ગાંધીનગર ખાતે જમીન નિગમની ઓફીસમાં એસીબી દ્વારા થોડા સમય પહેલા કરાયેલા સર્ચ ઓપરેશનનાં પગલે ખેત તલાવડી કૌભાંડ બહાર આવતા રાજય એસીબીના વડા કેશવકુમાર દ્વારા રાજયભરમાં ખેત તલાવળી અંગે તપાસના આદેશને પગલે જુનાગઢ એસીબી દ્વારા મેંદરડા તાલુકાના લીલવા ગામે કરાયેલી તપાસના અંતે ખેડુતની જાણ બહાર ખેડુતોની માલિકીની ખેતીની જમીનનાં દસ્તાવેજોનાં ખોટા ઉપયોગ કરી ૧૭ ખેત તલાવળી નહીં બનાવી હોવા છતાં ખોટા બીલોના આધારે રૂ.૮.૯૨ લાખ નાણાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.
જયારે ડેડકીયારી ગામે ખેડુતોના નામોની ખોટી અરજી કરી જેના આધારે બે ખેત તલાવળી રેકર્ડ ઉપર દર્શાવી ખોટા દસ્તાવેજો બનાવી રૂ.૧.૯૩ લાખની ઉચાપત કરી હતી. તેમજ પાટરામા ગામે ખેડુતોની જાણ બહાર અરજીઓ કરી ખોટા દસ્તાવેજોનો રેકર્ડ ઉપર ૭ ખેત તલાવળી દર્શાવી રૂ.૭.૨૧ લાખની ઉચાપત કર્યાનું ખુલ્યું હતું. તેમજ ઝીંઝુડા ગામે બે ખેત તલાવળી બનાવી રૂ.૧.૮૪ લાખની ઉચાપત કરી હતી. તેમજ મોટી ખોડીયાર ગામે ખેડુતોના નામે અરજી કરી અને ખોટા દસ્તાવેજો કરી અને ખોટી સહી વડે રેકર્ડ ઉપર બે ખેતર તલાવળી દર્શાવી રૂ.૧.૯૧ લાખની ઉચાપત કર્યાનું ખુલ્યું હતું.
જુનાગઢ એલસીબી દ્વારા તપાસના અંતે જુનાગઢ જમીન વિકાસ નિગમનાં તત્કાલીન મદદનીશ નિયામક અને હાલ નિવૃત કરમશી નથુ ડોબરીયા તત્કાલીન ક્ષેત્ર નિરક્ષક કેશોદનાં રામજી કાળુ કોટડીયા અને ક્ષેત્ર મદદનીશ હાલ પોરબંદર ફરજ બજાવતા દિનેશ મુળજી કાછુન્દ્રા, ગેંગલીડર સાજણ સાંગણ ઓડેદરા, જલ્પેશ ઠાકરશી, રાકેશ રતિલાલ, કૈલાશ રવજી બુશા, રામાનાથા સોલંકી, હરસુખ દામજી ડેપાણી, હરસુખ પરસાણીયા, પરેશ મગન કમાણી, રમણીક પ્રેમજી કોઠડીયા સામે પોરબંદર એલસીબીના પી.આઈ એન.એન.જાડેજાના માર્ગદર્શન હેઠળ થયેલી તપાસના અંતે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ જુનાગઢ એસીબીના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમા માર્ગદર્શન હેઠળ પી.આઈ ડી.ડી.ચાવડા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યા છે.