ક્રિકેટ જગતમાં અવાર-નવાર આશ્ર્ચર્યજનક ઘટના બને છે અને આવી જ ઘટનાઓ ક્રિકેટનો ચાર્મ જાળવી રાખે છે. તાજેતરમાં ફકત ૪ બોલમાં ૯૨ રન આપનાર બાંગ્લાદેશી ક્રિકેટરનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. હાલ તો આ ક્રિકેટર પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ૧૦ વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. લાલમાટીઆ કલબ તરફથી રમી રહેલા સુઝોન મહેમુદ નામના બોલરે ૧૩ વાઈડ અને ત્રણ નો-બોલ નાખ્યા હતા. આ તમામ દડાને સામેની ટીમ એકઝીમો ક્રિકેટર્સના બેટસમેને બાઉન્ડ્રી બહાર મોકલ્યા હતા. જેનાથી ૮૦ રન થયા હતા ત્યારબાદ અન્ય ચાર કાયદેસર દડામાં બેટસમેને ત્રણ ચોકા ફટકાર્યા હતા. જેથી ટીમના કુલ ૯૨ રન થયા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે લાલમાટીઆ કલબે પ્રથમ દાવ લઈ ૧૪ ઓવરમાં ૮૮ રન કર્યા હતા. જેની સામે એકઝીમો ક્રિકેટર્સે પ્રથમ ઓવરના માત્ર ૪ દડા રમી ૯૨ રનકરી જીત મેળવી હતી. સુઝોન મેહમુદની ખરાબ બોલીંગના કારણે રોષે ભરાયેલા બોર્ડે તેના પર ૧૦ વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. જયારે ટીમના કોચ, કેપ્ટન અને મેનેજરને પણ ૫ વર્ષનો વનવાસ આપવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ ઉપર બોર્ડની છબી બગાડવાનો આક્ષેપ કરાયો છે. એમ્પાયરના ખરાબ વર્તનના કારણે છંછેડાયેલા બોલરે આપી ખરાબ બોલીંગ કરી હોવાનુ માનવામાં આવે છે.