નાના-મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં: સરકાર કંપનીઓ અને વેપારીઓ વચ્ચે સંકલન જાળવે તે સમયની માંગ

કંપનીઓની ઓનલાઈન વેચાણ પઘ્ધતિથી નાના-મોટા ધંધાર્થીઓ ફિકસમાં મુકાઈ રહ્યા છે. કંપનીઓ દ્વારા આવી બેવડી પોલીસી અખત્યાર કરવામાં આવશે તો ભવિષ્યમાં વેપાર ધંધાનું નુર ખેંચાઈ જશે. આ ચિંતા અનુસંધાને ખંભાળિયામાં વેપારીઓની એક મીટીંગ યોજાઈ હતી અને આવી બેવડી પોલીસીના વિરોધમાં આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

વેપારીઓના વેપારના અસ્તિત્વ સામે જયારે ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે ભાવિના અંધકારને દુર કરવા વેપારીઓ જાગૃત બન્યા છે અને ઓનલાઈન સિસ્ટમને બ્રેક મરાવવા તેમનો અવાજ બુલંદ બનાવી રહ્યા છે. આ માટે અત્રેના ૧૪ જેટલા વિવિધ વસ્તુના વેપારી સંગઠનો અહીં રામનાથ મહાદેવના મંદિરે એકત્રિત થયા હતા અને એક બાદ એક કાર્યક્રમો આપી વિરોધ સાથે તેઓની વેદના પ્રદર્શિત કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો અને કાલે બપોરે રામનાથ મહાદેવના મંદિરથી કલેકટર કચેરી સુધી પાંચ કિમી લાંબી મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સતાધીશો સ્વપ્નાની ઉડાનમાંથી બહાર આવી આ બાબતે કંપનીઓ વચ્ચે અને વેપારીઓ વચ્ચે તાલમેલ સાંધવામાં બેફિકર છે જયારે અધધ રોકાણ પછી પણ નફાના ગાળા ઘટી રહ્યા છે.

સતાધીશોની શોષણખોર નિતીથી ટેકસ ઉપર ટેકસના ભારણથી મોંઘવારીએ માજા મુકી છે. ઉધારને મફતનો માલ સમજતા ગ્રાહકોમાં તણાઈ જતા નફા પછી વેપારીઓને નિરાશા સિવાય કશુ મળતુ નથી ત્યારે સમાજની ગંભીર સમસ્યાને સુલટાવવાની તસ્દી લેવાની બદલે સતાધીશો દ્વારા અમન-ચમનમાં જે વ્યસ્તા દાખવવામાં આવે છે એનાથી ભવિષ્યમાં બેકારી અને ભિખારીઓની સંખ્યા વધી જશે. સંભિવત ભયાવહ આ સ્થિતિને ટાળવા સતાએ (પ્રજા) વેપારીઓ સાથે સંકલન જાળવવું તે સમયની માંગ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.