સ્ટેટ મોનીટેરીંગ સેલની કાર્યવાહી : વધુુ બે શખ્સોનાં નામ ખુલતા ધરપકડની તજવીજ
બુધવારે સાંજે એસ.ટી. સ્ટેન્ડ ની સામેના વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્ષ માંથી સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરની વિજિલન્સ એ દરોડો પાડી એક લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ બિયરનાં જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની વિઝીલન્સ બ્રાન્ચના લક્ષમણભાઈ મેતા અને પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈ ને મળેલી પૂર્વ બાતમીના આધારે પી.એસ.આઈ. એલ. એન. રામણીના માર્ગદર્શન હેઠળ કોડીનારના બસસ્ટેન્ડની સામેના વિસ્તારમાં આવેલી સહયોગ ઇન્ડસ્ટ્રીઝની બાજુના કોમ્પ્લેક્સ માં આવેલી દુકાન ન. ૮ માં રેડ કરી ચેકીંગ કરતા વિશાળ માત્રામાં વિદેશી દારૂ બિયર નો જથ્થો મળી આવ્યો હતો.
જેમાં ઝૂમ બ્રાન્ડની દારૂની બોટલ-૧૯૫ નંગ, રોયલ સ્ટેજ-૪૮ નંગ, હેવર્ડ-૫૦૦૦ બિયરના ટીન-૪૭૧ નંગ આમ કુલ રૂપિયા ૧૪૯૮૫૦/- નાં દારૂ બિયરના જથ્થા સાથે મેહુલ માલાભાઈ કોળી (ગાંઠિયા વાળા) ની અટકાયત કરી છે. આ વિદેશી દારૂ-બિયરનો જથ્થો નલિયા માંડવી નો કુખ્યાત બુટલેગર જાવીદ ઉર્ફે જોન અને એક અજાણ્યો ઇસમ આપી ગયાનું ખુલવા પામ્યું છે. ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ નાં પોલીસ હેડ કોન્સ્ટેબલ યુસુફખાન શેરખાન બેલીમ એ ફરિયાદી બની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ કોડીનાર પી.આઈ. ચાવડા કરી રહ્યા છે.