લોકોમાં ગભરાહટનો માહોલ: પોલીસે તપાસ હાથ ધરી
માંગરોળમાં હવેલીએ દશઁન માટે જતા વૃધ્ધાને વાતોમાં ભોળવી બે ગઠીયાઓ સોનાની બે બંગડી, ચેઈન મળી એકાદ લાખની રકમના દાગીના લઈ રફુચક્કર થઈ જતા લોકોમાં ગભરાહટનો માહોલ સજાઁયો છે.
શહેરમાં વાતોમાં ભોળવી, સંમોહિત કરી લોકોને ખંખેરતી ટોળકી સક્રિય થઈ હોવાનું જણાઈ રહ્યું છે. દસ દિવસ પહેલા એમ.જી.રોડ પર આવેલી દુકાનને નિશાન બનાવી વેપારીને હિપ્નોટાઈઝડ કરી બરણીમાં રાખેલી ૭૦ હજારની મત્તા લઈ બે યુવાનો છૂ થઈ ગયા હતા. ત્યારે આજે આ બનાવ બન્યો હતો તે વિસ્તારની તદ્દન પાછળ વેરાઈ ફળીયા પાસે આવેલા બેનના મંદીરે દશઁનાથેઁ જઈ રહેલા વૃધ્ધાને ગઠીયાઓનો ભેંટો થયો હતો.
સવારે ૧૧ વાગ્યે પોતાના ઘરથી નજીક આવેલી હવેલીએ જઈ રહેલા સંતોકબેન જીવરાજભાઈ ગોહિલ (ઉ.વ.૬૫)ને રોકી કોફી કલરની ખેડુટોપી અને કાળો શટઁ પહેરેલા શખ્સે “ખોડીયાર માતાજીનું મંદીર કઈ તરફ આવ્યું” તેમ પુછતા સંતોકબેન “ખબર નથી” એવો જવાબ આપી ચાલતા થયા હતા. એ દરમ્યાન આગળ મોટર સાયકલ રાખીને ઊભેલા શખ્સે વૃધ્ધાને પગે લાગીને કહ્યું કે “આ તો મારા ગુરુજી છે” તેમ કહી પોતાની પાસે રહેલી થેલીમાં બંગડી અને ચેન નાંખી દેવાનું કહી સાત દિવસ પછી ખોલવા જણાવ્યું હતું.
આ તકે સુઝબુઝ ગુમાવી ચુકેલા સંતોકબેને પાંચ તોલાના દાગીના ઉતારી થેલીમાં નાંખી દીધા હતા. પોતાનું કામ પાર પાડી ગઠીયાઓએ ચાલતી પકડી હતી. હવેલીની અંદર પ્રવેશતા જ ભાનમાં આવેલા વૃધ્ધાને ચેઈન અને સોનાની બંગડી ગાયબ હોવાનું ધ્યાને આવતા પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. પીએસઆઈ ચૌહાણ તેમજ પોલીસ સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
પરંતુ આ શખ્સોના કોઈ સગડ મળ્યા ન હતા. આ શખ્સો ૧૫ મિનિટથી આ વિસ્તારમાં આંટા ફેરા કરતા હોવાનું રહીશોએ જણાવ્યું હતું. જેથી આયોજનબધ્ધ રીતે અગાઉ રેકી પણ કરી હોવાનું મનાઈ રહ્યું છે. બનાવ અંગે ભોગ બનનારના પુત્ર કિરણભાઈ ગોહિલે ફરીયાદ નોંધાવતા પોલીસે નિવેદન, પંચનામું સહિતની કાયઁવાહી હાથ ધરી તપાસનો ધમધાટ શરૂ કયોઁ છે.