ગોંડલમાં રૂ.૧૦.૯૪ લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો ભગીરથ સોસાયટીમાં પિતા-પુત્ર ૬૦ હજારના દારૂ સાથે ધરપકડ
દિવાળીના તહેવાર દરમિયાન દારૂના બંધાણી માટે વિદેશી દારૂનો જંગી જથ્થો બુટલેગર મગાવતા હોવાથી પોલીસે ઠેર ઠેર દરોડા પાડી રૂ. ૩૯.૪૧ લાખની કિંમતની ૧૨,૨૫૮ બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.
કુવાડવા રોડ પર આવેલી ડાભી હોટલ પાસે પાર્ક કરેલા એમ.એમ.૦૪ઇવાય. ૫૭૩૮ નંબરના આઇસરમાં વિદેશી દારૂનો જંગી જથ્થો હોવાની બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એ.આર.મોડીયા, પી.એસ.આઇ. વી.પી.આહિર, એએસઆઇ રાયધનભાઇ ડાંગર, હેડ કોન્સ્ટેબલ હીરાભાઇ રબારી, હિતેશભાઇ ગઢવી અને દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.૨૮.૮૭ લાખની કિંમતની ૯૬૨૪ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસ રૂ .૧૫ લાખની કિંમતનું એમ.એચ.૪ઇવાય. ૫૭૩૮ નંબરનું આઇસર કબ્જે કરી આઇસર માલિકની શોધખોળ હાથધરી છે.
ગોંડલના હરભોલે સોસાયટી પાસે વિરજીભાઇ પાર્કમાં રહેતા અરૂણ નંદલાલ પરમારના મકાનમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવ્યાની બાતમીના આધારે એલસીબી ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ.ચાવડા, પી.એસ.આઇ. એચ.એ.જાડેજા અને મહેશભાઇ જાની સહિતના સ્ટાફે દારૂ અંગે દરોડો પાડી રૂ.૧૦.૯૩ લાખની કિંમતની ૨૫૬૮ બોટલ વિદેશી દારૂ સાથે અરૂણ નંદલાલ પરમારની ધરપકડ કરી તેની બે મોબાઇલ કબ્જે કર્યા છે.
સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાંતી રૂ.૬૦ હજારની કિંમતની ૨૧૬ બોટલ વિદેશી દારૂ સાથે નામચીન બુટલેર દિલીપ કરશન ચંદારાણા અને તેના પુત્ર પ્રતિક ચંદારાણાની બી ડિવિઝન પી.આઇ. આર.એસ.ઠાકર, પી.એસ.આઇ. પી.બી.જેબલીયા, એમ.એમ.ઝાલા, જનકસિંહ ગોહિલ અને ખોડુભા જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.