મામલતદારને આવેદન પત્ર અપાયું
આગામી જલારામ જયંતિ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે તેવા આશયથી કોડીનાર રઘુવંશી સમાજ અને અન્ય સમાજના લોકોએ સાથે મળી મામલતદારને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું.
“દેને કો ટુકડા ભલા લેને કો હરીનામ” સૂત્રને જીવન મંત્ર બનાવનાર અને ગરીબોના બેલી એવા પૂજ્ય શ્રી જલારામ બાપાની આગામી જયંતિ પ્રસંગે સરકાર દ્વારા જાહેર રજા રાખવામાં આવે તેવી માંગ સાથે કોડીનાર રઘુવંશી સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ જોડાઈને કોડીનાર મામલતદારને આવેદન સાથે રજુઆત કરવામાં આવી હતી.
જલારામ બાપા એ સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજ માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે. આ યુગપુરુષ જલારામ બાપામાં માત્ર રઘુવંશી સમાજ જ નહીં પરંતુ અનેક જ્ઞાતિના લોકો શ્રધ્ધા ધરાવે છે. આથી જ વીરપુર ધામમાં આજે પણ તમામ ધર્મ અને જ્ઞાતિનાં લોકો દર્શનાર્થે આવે છે. અને એકજ પંગતમાં બેસી પ્રસાદ ગ્રહણ કરે છે. જે એક અલૌકિક ઘટના છે.
કોડીનાર લોહાણા મહાજન સાથે અન્ય સમાજના લોકોએ પણ જોડાઈ કોડીનાર મામલતદારને રજુઆત કરી હતી કે, ’આગામી દીપાવલીના તહેવારો બાદ કારતક સુદ-૭ ને બુધવારે તા.૧૪-૧૧-૨૦૧૮ નાં રોજ પરમ પૂજ્ય જલારામ બાપા ની જયંતિ સમગ્ર દેશ સહિત વિશ્વના કેટલાક દેશોમાં ધામધૂમ પૂર્વક ઉજવાશે. આ દિવસે સરકાર દ્વારા જાહેર રજા રાખવામાં આવે તેવી જલારામ બાપાનાં ભક્તોની લાગણી અને માંગણી છે.
કોડીનાર મામલતદાર દ્વારા પ્રજાજનોની આ લાગણી ને સરકાર સુધી પહોંચાડવા ખાત્રી આપવામાં આવી હતી.આ તકે લોહાણા મહાજનનાં પ્રમુખ હસમુખભાઈ રૂપારેલની સાથે લોહાણા મહાજન અગ્રણી તેમજ ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિઠ્ઠલાણી, બીપીનભાઈ તન્ના, રમેશભાઈ લાખાણી, રતીભાઈ ખંધેડિયા, અશોકભાઈ ગંગદેવ, જયેશભાઇ ગટેચા સહિતનાં અસંખ્ય વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.