સ્વાઈનફ્લૂની મહામારીએ માઝા મૂકી છે અને સમયાંતરે એક દર્દીનો ભોગ લેવામાં આવી રહ્યો છે. દરમિયાન જામનગર જિલ્લાના એક દર્દીનું સ્વાઈનફ્લૂની બીમારીના કારણે સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.
આ ઉપરાંત આઠ દર્દીના ડેન્ગ્યૂના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જીવાપર ગામના પપ વર્ષના પ્રૌઢને બીમારીના કારણે સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં જરૃરી પરીક્ષણ દરમિયાન તેમને સ્વાઈનફ્લૂ હોવાનો રિપોર્ટ મળતા સઘન સારવાર શરૃ કરવામાં આવી હતી, પરંતુ ગઈકાલે તેમનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત જામનગરની સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના છ દર્દીઓ નોંધાયા હતાં.
જામનગર મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાનમાં નંબર મેળવવાની દોડમાં ઊભી છે. જે આવકાર્ય છે, પરંતુ સૌ પ્રથમ ગ્રાઉન્ડ લેવલમાં કામની જરૃર છે.
એટલે કે શહેરમાં દરરોજ સઘન સફાઈ કામગીરી થવી જોઈએ, પરંતુ દુ:ખ સામે ઉલ્લેખ કરીએ તો શહેરમાં ચોતરફ ગંદકીના ગંજ જોવા મળે છે. કચરાના પોઈન્ટ નિયમિત સફાઈ થતા નથી. કચરા પેટીઓ કચરાથી છલકાતી દેખાય છે. જંતુનાશક દવાના છંટકાવની કામગીરી પણ ખાસ નોંધનીય નથી.
સૌ પ્રથમ દવા છંટકાવને સઘન સફાઈ કામગીરી ઈમાનદારીથી કરવામાં આવે તો રોગચાળો આપોઆપ નાબૂદ થઈ જાય, જો કે આ માટે તંત્ર સાથે નગરજનોની પણ જવાબદારી ઓછી આંકી શકાય નહીં. તંત્રને સ્વચ્છતા માટે શહેરીજનોએ પણ સક્રિય સહયોગ આપવો અનિવાર્ય છે.