કાણેક અને ઈટાળીમાં બે મકાનમાં ચોરીના બનાવથી ગ્રામજનોમાં ફફડાટ: પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ
માળીયા હાટીના તાલુકાના કાણેકની સીમમાંથી મકાનનું તાળુ તોડી તસ્કરો ૧.૮૨ લાખની મતા ચોરી ગયા હતા. જયારે ઈટાળી ગામમાં બે મકાનમાંથી ૮૨ હજારની મતા ચોરી થયાની ફરિયાદ થઈ છે. આ અંગે ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ચોરવાડ નજીક આવેલા કાણેક ગામની હરિવાવ સીમ વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ ભીમાભાઈ ઝણકાંતના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા અને ઘરમાં રહેલા લોખંડના તથા લાકડાના કબાટના દરવાજા તથા તિજોરી તોડી ૧૫ હજાર રૂપિયા રોકડા તેમજ ૧.૮૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી ૧.૯૫ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા.
જયારે માળિયા હાટીના તાલુકાના ઈટાળીમાં રહેતા ડાયાભાઈ ભીમાભાઈ આજકીયાના મકાનની દિવાલ કુદી તસ્કરોએ લોખંડની ક્રોસ વડે દરવાજાના નચુકા તોડી, કબાટ તોડી તેમાંથી ૪૫ હજાર રૂપિયા રોકડા, દોઢ તોલાનો સોનાનો સેટ તથા ચેન, એક તોલાનો ચેન તથા અડધા તોલાની એક વીંટી તેમજ બાજુમાં આવેલા બિપીનભાઈ ગોવિંદભાઈ પંડિતના મકાનના દરવાજાના નકુચા તોડી ત્યાંથી પાંચ હજાર રૂપિયા રોકડા તથા બે જોડી સાંકળા ચોરી કરી ગયા હતા. આ બંને ઘરમાંથી કુલ ૮૨ હજારનો મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ થઈ છે.